વરસાદના કારણે મકાનની છત એકાએક પડતા મહિલાનું મોત
- ધોળકાના જલાલપુર વજીફા ગામની ઘટના
- બનાવની જાણ થતા સરકારી અધિકારીઓ દોડી આવી વધુ તપાસ હાથ ધરી : ગામમાં શોકની લાગણી
બગોદરા, તા. 26 જુલાઇ 2020, રવિવાર
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના જલાલપુર વજીફા ગામે મકાનના ધાબાની છત ધરાશયી થતાં એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ શખ્સોનો આબાદ બચાવ થયો હતો જે અંગે ટીડીઓ સહિત જિલ્લા પંચાયત સદસ્ય સહિતનાઓ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધોળકા તાલુકામાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને ધીમીધારેથી લઈ જોરદાર વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે ત્યારે ધોળકાના જલાલપુરા વજીફા ગામે પણ વરસાદ નોંધાયો હતો. જેમાં ગામમાં આવેલ ઠાકોરવાસ (કાસીન્દ્રાવાસ)માં રહેતાં અરવિંદભાઈ ઠાકોરના ઘરના ધાબાની છત મોડીસાંજે અચાનક ધરાશયી થઈ તુટી પડતાં કાટમાળ નીચે દબાઈ જવાથી લીલાબેન ઠાકોરનું મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારના અન્ય ત્રણ સભ્યોનો આબાદ બચાવ થયો હતો જ્યારે આ બનાવની જાણ થતાં જિલ્લા પંચાયત સદસ્ય મનીષભાઈ મકવાણા, તાલુકા વિકાસ અધિકારી બી.બી.સાધુ, સરપંચ, તલાટી, પોલીસ સહિતનાઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને મૃતક મહીલાની લાશનો કબ્જો લઈ પીએમની તજવીજ હાથધરી હતી. જ્યારે તાલુકા વિકાસ અધિકારીએ પણ જરૂરી તપાસ કરી તેનો અહેવાલ જિલ્લા પંચાયતમાં મોકલવાનું જણાવ્યું હતું. જ્યારે મહિલાના મોતથી પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવામ પામી હતી.