યાત્રાધામ ચોટીલામાં દેહ વ્યાપારની અનૈતિક પ્રવૃતિ ઝડપાઇ
- પાંચ રૂપજીવનીઓની અટકાયત
- બે ગ્રાહક સહિત પાંચ સામે ગુનો નોંધાયો ઃ રોકડ,મોબાઇલ સહિત ૪.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત ઃ અનૈતિક પ્રવૃતિ માટે ૮૦ હજારમાં મકાન ભાડે અપાયું હોવાનું ખુલ્યું
સુરેન્દ્રનગર : યાત્રાધામ ચોટીલામાં નેશનલ હાઈવે ઉપરથી એલ.સી.બી. પોલીસે દેહવ્યાપારની અનૈતિક પ્રવૃત્તિ ઝડપી લઈને બે ગ્રાહકો સહિત પાંચ સામે ગુનો નોંધ્યો છે. તેમજ પાંચ રૂપજીવનીઓની પણ અટક કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તથા જિલ્લા પોલીસવડા હરેશભાઈ દુધાતની સુચનાથી એલ.સી.બી.ના પી.આઈ. વી.વી.ત્રિવેદી તથા સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ચોટીલા હાઈવે ઉપર સનસાઈન હોટલની સામે શો રૂમના ઉપરના માળે દરોડો પાડતા દેહવ્યાપારની અનૈતિક પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી વાપી, સુરત, કલકત્તાની પાંચ રૂપજીવનીઓ સાથે આવેલા બે ગ્રાહક ચોટીલાનો રાહુલ પ્રેમજીભાઈ વાઘેલા, ઉ.વ.૨૦ અને નિમિષ કિશોરભાઈ મજીઠીયા રૂપજીવનીઓ સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ ગયા હતા. આ ઉપરાંત કુટણખાનું ચલાવનાર ગાવસ્કર ઉર્ફે દર્શન ચંદ્રમૌલી ઉર્ફે અનિલ રોજાસરા ઉપરાંત ગ્રાહકો લાવી આપનાર કુંઢરીયા મહેશ, ભુપતભાઈ ખાચરને પોલીસે ઝડપી લીધા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેહવ્યાપારનો અનૈતિક ધંધો શરૂ કરવા માટે જીવણભાઈ નાગરભાઈ મકવાણાનું મકાન માસીક રૂા.૮૦,૦૦૦થી ભાડાથી રાખવામાં આવ્યું હતું. જ્યાં ગાવસ્કર અને ભરત શેખ બહારગામથી રૂપજીવનીઓને લાવીને ત્યાં દેહવ્યાપારનો ધંધો કરાવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે પાંચેય શખ્સો પાસેથી રોકડ રૂા.૨૫,૦૧૦, મોબાઈલ, ત્રણ બાઈક સહિત રૂા.૪,૩૫,૦૧૦નો મુદ્દામાલ કબજે કરીને ચોટીલા પોલીસમાં ગુનો દાખલ કર્યોે છે.
વાપી, સુરત અને કલકત્તાની યુવતિઓને દેહવ્યાપાર માટે લાવવામાં આવી હતી
ચોટીલામાં ઝડપાયેલા કુટણખાનામાં આરોપી ચોટીલાનો ગાવસ્કર ઉર્ફે દર્શન, ચંદ્રમૌલી ઉર્ફે અનિલ રોજાસરા અને ભરત ઉકાભાઈ શેખ બહારગામથી રૂપજીવનીઓને લાવીને દેહવ્યાપારની અનૈતિક પ્રવૃત્તિ ચલાવતા હતા. બનાવ વખતે વાપી, સુરત અને કલકત્તાની યુવતિઓ લાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. બનાવ વખતે બે ગ્રાહકો ચોટીલાનો રાહુલ પ્રેમજીભાઈ વાઘેલા અને નિમીષ કિશોરભાઈ મજીઠીયા યુવતિઓ સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ ગયા હતા. પોલીસે પાંચેયને ઝડપી લીધા હતા. જ્યારે દેહવ્યાપાર માટે જગ્યા ભાડે આપનાર જીવણ નાગજીભાઈ મકવાણા હાજર મળી આવેલ નહોતો.