Updated: Mar 16th, 2023
એલસીબી પોલીસે ખમિયાણા રોડ પર હેલીપેડ પાસેથી પકડી રૂપિયા ૭૬,૬૩૩નો મુદ્દામાલ કબજે કર્યો
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં ત્રણ મહિના પહેલા થયેલી ચોરીમાં સંડોવાયેલ બે ઘરફોડ તસ્કરોને રૂા.૭૬,૬૩૩ના મુદ્દામાલ સાથે એલ.સી.બી. પોલીસે ઝડપી લઈને સીટી એ ડીવીઝન પોલીસને હવાલે કરેલ હોવાનું જાણવા મળે છે.
આ અંગેની વિગત એવી છે કે, એલ.સી.બી. પોલીસે સુરેન્દ્રનગરના ખમીયાણા રોડ ઉપર હેલીપેડ પાસેથી બે શખ્સો ગૌતમ ઉર્ફે કાઠી ચંદુભાઈ જમોડ તથા પ્રકાશ અજીતભાઈ ઝરવરીયાને ઝડપી લઈને આકરી પુછપરછ કરતા બન્ને શખ્સોએ ત્રણ મહિના પહેલા કરેલી ચોરીની કબુલાત કરેલ હતી. આ બન્ને શખ્સોએ ત્રણ મહિના પહેલા સુરેન્દ્રનગર મેડીકલ કોલેજ પાછળ, મફતીયાપરા, નવદુર્ગા ચોક, રામાપીરના મંદીર પાસે આવેલ મકાનમાં ખાતર પાડીને સોના-ચાંદીના દાગીના તથા રૂા.૧૫,૦૦૦ રોકડાની ચોરી કર્યાનું જણાવતા પોલીસે તેમની પાસેથી રૂા.૬૧,૧૩૩ની કિંમતની સોનાની રણી નંગ-૨ તથા રૂા.૧૫,૦૦૦ રોકડા, મોબાઈલ ફોન મળી કુલ રૂા.૭૬,૬૩૩નો મુદ્દામાલ કબ્જે કરીને બન્ને તસ્કરોની સીટી એ ડિવીઝનને સોંપણી કરેલ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી ગૌતમ જમોડ સામે સુરેન્દ્રનગર સીટી એ-ડિવીઝન પોલીસમાં જુગાર સહિતના ચાર ગુનાઓ નોંધાયેલ છે.