મૂળીના ટીડાણા ગામે વીજળી પડતાં ખેડૂતનું કરૂણ મોત
સરા, તા. 05 જુલાઈ 2020, રવિવાર
મૂળી તાલુકાના ટીડાણા ગામે રહી ખેતીનો વ્યવ્સાય કરતા કુટુમ્બના મોભી એવા 33 વર્ષીય મહેન્દ્રભાઇ નથુભાઇ રેવર પોતાની વાડીમાં કામ કરતા હતા તેવામાં ચમકારા મારતી વીજળી પડતાં તેમનું કરુણ મોત થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ હતી.
મૂળી પંથકમાં આજે સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાયું હતું. અમુક ગામોમાં વરસાદ શરૂ થતાં જ કડાકાભડાકા સાથે તોફાની વાતાવરણ સર્જાયું હતું. ઉમરડાની સીમમાં વાડીએ કામ કરતા મહેન્દ્રભાઇ પર અચાનક લબકારા મારતી વીજળી પડતાં તેમને સારવાર અર્થે મૂળીના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.