ધોળકા તાલુકાના સરોડ ગામ પાસે નર્મદા કેનાલમાં ત્રણ યુવક ડૂબ્યા
- નહાવા પડેલા ત્રણ પૈકી એકને બચાવી લેવાયો
- અન્ય બે યુવકોની મોડી સાંજ સુધી શોધખોળ ચાલુ
બગોદરા, તા. 16 જુલાઈ 2020, ગુરુવાર
અમદાવાદ જિલ્લાના ધોળકા, બાવળ, બગોદરા સહિતના ગામોમાંથી નર્મદાની મુખ્ય અને માઈનોર કેનાલો પસાર થાય છે તેમાં ડુબી જવાથી અનેક લોકોના મોત પણ નીપજી ચુક્યાં છે ત્યારે ધોળકા તાલુકાના સરોડા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં નહાવા પડતાં ત્રણ યુવકો ડુબ્યા હતાં જે પૈકી એક યુવકને બચાવી લેવામાં આવ્યો હતો જ્યારે બે યુવકોની મોડીસાંજ સુધી શોધખોળ હાથધરાઈ હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધોળકા તાલુકાના સરોડા ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ત્રણ યુવકો નહાવા પડયાં હતાં. જેમનો કોઈ કારણોસર પગ લપસી જતાં કેનાલનાં ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. જે પૈકી દસકોઈ તાલુકાના બાકરોલ ગામનાં યુવક વિપુલને બચાવી લેવામાં આવ્યો હતો જ્યારે બાકીના બે યુવકો પીયુષ વિષ્ણુભાઈ ચાવડા રહે.અડાસર જિ.ખેડા અને અશ્વીન મગનભાઈ સોનારા રહે.રેથર તા.સાણંદવાળા ડુબી જતાં તરવૈયાઓ અને ધોળકા ફાયર ફાયટરની ટીમ દ્વારા બંન્ને યુવકોની શોધખોળ હાથધરવામાં આવી હતી અને અંદાજે ત્રણ કલાકની જહેમત બાદ પણ ડુબેલ બંન્ને યુવકોનો કોઈ જ પત્તો લાગ્યો નહોતો અને મોડીસાંજ સુધી શોધખોળ શરૂ રાખવામાં આવી હતી. પરંતુ બંન્ને યુવકોની કોઈ જ ભાળ લાગી નહોતી જ્યારે એક સાથે બે યુવકો ડુબતાં પરિવારજનો સહિત લોકોના ટોળેટોળાં કેનાલ ખાતે ઉમટી પડયાં હતાં અને સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.