સાયલા તાલુકાના ટીડોડા ગામની સીમમાં ફાયરિંગ કરનારા 3 આરોપી પકડાયા
-કારમાં આવી બાઈકસવાર પર ફાયરિંગ કરી ફરાર થયા હતા : પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા
સાયલા, તા. 3 જુલાઇ 2020, શુક્રવાર
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે અને જિલ્લામાં લુંટ, હત્યા, ફાયરીંગ, જુથ અથડામણના બનાવો વધી રહ્યાં છે ત્યારે સાયલા તાલુકાના ટીટોડા ગામની સીમમાં એક શખ્સ પર રેતીની લીઝ બાબતે ત્રણ શખ્સો મારમારી ફાયરીંગનો બનાવ બન્યો હતો જે અંગે ભોગ બનનારે ધજાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં અને ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાયલા તાલુકાના નવી મોરસલ ગામે રહેતાં જેઠાભાઈ રાણાભાઈ ભાંગડા રબારી ઉ.વ.૪૩ વાળા બપોરના સમયે મોટરસાયકલ લઈ વાટાવચ્છ ગામેથી રાત્રીના સમયે મોરસલ પરત આવી રહ્યાં હતાં. તે દરમ્યાન ટીટોડા ગામ પાસે આવેલ ચોકડી નજીક હડાળા બોર્ડ તરફથી એક કારમાં ત્રણ જેટલાં શખ્સોએ આવી જેઠાભાઈ ભાંગડાનું ગળું દબાવી ગાળ આપી માથાના ભાગે રીવોલ્વર ચીંધી ફાયરીંગ કર્યું હતું. તેમજ અન્ય એક શખ્સે પણ રીવોલ્વર વડે ફાયરીંગ કર્યું હતું. જે અંગે ભોગ બનનારે ધજાળા પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ધજાળા પીએસઆઈ એચ.એલ.ઠાકર સહિતના સ્ટાફે અલગ-અલગ તપાસ હાથધરી હતી. જેમાં ત્રણેય આરોપીઓ વિપુલકુમાર ભીખુભા ગોહિલ, અશોકભાઈ ભીખુભા ગોહિલ અને યુવરાજસિંહ અજીતસિંહ ગોહિલ તમામ રહે.ડોળીયાવાળાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી તેમજ બનાવમાં વપરાયેલ કાર તથા રીવોલ્વર સહિતના હથિયારો પણ ઝડપી પાડયાં હતાં.