થાનમાં થયેલી જૂથ અથડામણનો વીડિયો વાઇરલ કરનાર શખ્સ પકડાયો
- બે જ્ઞાાતિ વચ્ચે ઝઘડો થતા હુમલો કરી લૂંટ ચલાવાઈ હતી જેનો વીડિયો ટિકટોકથી વાઇરલ કર્યો હતો
સુરેન્દ્રનગર, તા. 24 જૂન 2020, બુધવાર
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયાની સુચનાથી જિલ્લામાં વધતાં હત્યા, લુંટ, ઘાડ, ઘરફોડ ચોરી સહિતના ગુન્હાઓ અટકાવવા તેમજ તેના આરોપીઓને ઝડપી પાડવા અને જિલ્લામાં બનેલ કોઈપણ બનાવ બાદ તેના પ્રત્યાધાતો ન પડે અને સાથો સાથ સોશ્યલ મીડીયા દ્વારા પણ કોઈ અફવાઓ કે જ્ઞાાતિ-જ્ઞાાતિ વચ્ચે પરાજકતા ફેલાય તેવું કોઈ કૃત્ય ન કરે તેવું સાયબર સેલ મારફતે ચાંપતી નજર રાખવા એલસીબી પોલીસને તથા જિલ્લાના તમામ પોલીસ મથકોને સુચનાઓ આપવામાં આવી હતી.
જેના ભાગરૃપે થાન તાલુકાના નવાગામ ખાતે વર્ષ ૨૦૧૪થી ચાલતી અલગ-અલગ જ્ઞાાતિ વચ્ચે જુથ અથડામણના બનાવોનું મનદુઃખ રાખી આરોપીઓને પૂર્વયોજીત કાવતરૃ રચી ઘાડ પાડવાના ઈરાદે એક સંપ થઈ લાકડાના ધોકા તથા લોખંડના પાઈપો અને પથ્થરો વડે ફરિયાદીને ગાળો આપી હાથે-પગે લોખંડના પાઈપ અને લાકડી વડે ઘા ઝીંકી ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચાડી હતી અને રોકડ રકમ તેમજ જરૃરી દસ્તાવેજોવાળા પાકીટની લુંટ ચલાવી અન્ય શખ્સોને પણ મારમારી ઈજાઓ પહોંચાડી હતી અને બાઈક સહિત બે ટ્રેકટરોમાં તોડફોડ કરી હતી જે અંગે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી જ્યારે ગત તા.૧૮ જુનના રોજ આ બનાવના આરોપીએ ટીકટોક સોશ્યલ મીડીયામાં આ જુથ અથડામણ અંગે આફતીજનક ટીપ્પણી કરી બંન્ને કોમ વચ્ચે ભય, દુશ્મનાવટ ફેલાય બીજો કોઈ જુથ અથડામણનો બનાવ બને તેવો ઉશ્કેરણીજનક શબ્દોનો ઉપયોગ કરી વિડીયો વાયરલ કર્યો હતો આથી એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલ સહિત સાયબર સેલ અને એલસીબી પોલીસે અલગ-અલગ ટીમો બનાવી વિડીયો વાયરલ કરનાર શખ્સની ઓળખ કરી ટેકનીકલ સોર્સની મદદથી આરોપી જામનગર જિલ્લાના કાલાવાડ વિસ્તારમાં હોવાનું બહાર આવ્યું હતું આથી વિડીયો વાયરલ કરનાર શખ્સ લાલો ઉર્ફે ગુડ્ડી ભુરાભાઈ મેવાડા ભરવાડ ઉ.વ.૨૩ રહે.મકરાણી સણોસરા તા.કાલાવાડવાળાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી તેમજ પુછપરછ દરમ્યાન માત્ર ટીખળ કરવા વિડીયો બનાવી વાયરલ કર્યો હોવાની કબુલાત કરી હતી અને થાન પોલીસ મથકે ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી.