આરોગ્ય કમિશનર અને કલેક્ટરે કોવિડ હૉસ્પિટલની મુલાકાત લીધી
- કોરોનાના દર્દીઓને મળતી સુવિધાઓ અને સારવાર અંગે વાકેફ કરાયા
સુરેન્દ્રનગર, તા. 29 જુલાઇ 2020, બુધવાર
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે અને જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર સ્થિત મુખ્ય કોવીડ હોસ્પીટલની આરોગ્ય કમીશ્નર ગાંધીનગર સહિત જિલ્લા કલેકટરે મુલાકાત લીધી હતી અને કોરોના વાયરસની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે.
ત્યારે આરોગ્ય કમીશ્નર જે.પી.શિવાહરે અને જિલ્લા કલેકટર કે.રાજેશે શહેરની મુખ્ય સરકારી હોસ્પીટલમાં કાર્યરત કોવીડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી અને દાખલ કરવામાં આવેલ કોરોના પોઝીટીવ દર્દીઓને રહેવા-જમવા સહિત આપવામાં આવતી તમામ સુવિધાઓ અને સારવાર અંગે આરોગ્ય કમીશ્નરને વાકેફ કરવામાં આવ્યાં હતાં. જ્યારે આ અંગે આરોગ્ય કમીશ્નરે પણ કોરોના વાયરસની મહામારીને ધ્યાને લઈ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ ન વધે તે માટે જરૂરી સુચનો આપ્યાં હતાં.