ધ્રાંગધ્રાના પરિવારે સરકારી ગાઇડલાઇન મુજબ દીકરીના લગ્ન કરીને વળાવી
- 50 લોકો જ હાજર રાખ્યા : માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી પ્રસંગે યોજ્યો
ધ્રાંગધ્રા, તા.15 જૂન 2020, સોમવાર
ધ્રાંગધ્રા ખાતે રહેતાં એક પરિવારની દિકરીના લગ્ન લોકડાઉનને કારણે મુલત્વી રાખ્યા બાદ તાજેતરમાં સરકારની ગાઈડલાઈન અને નિયમોનું પાલન કરી યોજાયા હતાં.
જેમાં મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા ખાતે રહેતાં રાજેશભાઈ તથા દક્ષાબહેનની પુત્રી સીમાના લગ્ન ટંકારાના રહેવાસી દિપકભાઈ અને રીટાબેનના સુપુત્ર અમર સાથે નક્કી કરાયા હતાં પરંતુ લોકડાઉનને પગલે આ લગ્ન મુલત્વી રાખવામાં આવ્યાં હતાં. ત્યારે તાજેતરમાં સરકાર દ્વારા આપવામાં આવેલ છુટછાટને ધ્યાને લઈ ધ્રાંગધ્રા ખાતે સરકારના નિયમોનું પાલન કરી સાદાઈથી લગ્ન કરવામાં આવ્યાં હતાં જેમાં માત્ર ૫૦ જ લોકો હાજર રહ્યાં હતાં. જ્યારે દિકરીવાળા તરફથી તમામ મહેમાનોને ફરજીયાત માસ્ક આપવામાં આવ્યાં હતાં અને સેનેટાઈઝર વડે હાથ પણ સાફ કરવામાં આવ્યાં હતાં સોશ્યલ ડિસ્ટન્સ પણ જાળવવામાં આવ્યું હતું અને વરરાજા અને કન્યાએ પણ માસ્ક પહેરીને લગ્નની વિધિ કરી હતી અને બ્રાહ્મણે પણ માસ્ક પહેરીને જ વિધિ કરાવી હતી. તેમજ કોરોના વાયરસનું સંક્રમણ ન વધે તે માટે જમણવાર કે બહારના બીજા કોઈ વ્યક્તિને નિમંત્રણ આપવામાં આવ્યું નહોતું. આમ કોરોના વાયરસની મહામારી દરમ્યાન ધ્રાંગધ્રાના પરિવારે નિયમોનું પાલન કરી લગ્ન કર્યા હતાં અને સમાજને અનોખું ઉદાહરણ પુરૃ પાડયું હતું.