લીંબડી બસ સ્ટેન્ડ નજીકની હોટલના રૂમમાંથી યુવતીની લાશ મળતા ચકચાર
- હોટલમાં યુવક-યુવતી શંકાસ્પદ હાલતમાં આવ્યા હતા
- યુવકને પણ કોઇએ છરીના ઘા ઝીંકતા સારવાર હેઠળ
સુરેન્દ્રનગર જિલ્લામાં ગુન્હાખોરીના બનાવોએ માઝા મુકી છે ત્યારે લીંબડી બસ સ્ટેન્ડ રોડ પર આવેલ એક હોટલના રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી જ્યારે યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતાં હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાણું હતું અને પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ લીંબડી બસ સ્ટેન્ડ રોડ પર આવેલ એક હોટલના રૂમમાં યુવક અને યુવતી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યાં હતાં જેમાં યુવતી મૃત હાલતમાં હતી જ્યારે યુવકને ગળાના ભાગે છરી વડે ઘા ઝીંકવામાં આવતાં ઈજાગ્રસ્ત હાલતમાં જણાઈ આવ્યો હતો.
જે અંગેની જાણ હોટલના સંચાલકે પોલીસને કરતાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને યુવતીની લાશનો કબ્જો લઈ પીએમ અર્થે મોકલવામાં આવી હતી. જ્યારે યુવકની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે રાજકોટ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
જ્યારે પ્રાથમિક તપાસમાં યુવક ચુડા તાલુકાના કંથારીયા ગામનો અને રવિરાજસિંહ બળદેવસિંહ નામ હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે યુવતીની કોઈ ઓળખ થવા પામી નહોતી પરંતુ બંન્ને પ્રેમી પંખીડા હોવાની હાલ આશંકાઓ સેવાઈ રહી છે અને કોઈ કારણોસર બંન્ને વચ્ચે ઝઘડો થયો હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. ત્યારે હાલ તો યુવતીની હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય અકબંધ રહ્યું હતું અને પીએમ રીપોર્ટ બાદ જ સમગ્ર ચિત્ર સપષ્ટ થશે.