સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ વર્ષો બાદ ઓવરફલો, નદી બે કાંઠે વહી
- સૌરાષ્ટ્ર અને ઝાલાવાડને પાણી પુરુ પાડતો
- ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ છલકાયો: ભોગવો બે કાંઠે વેહતા પ્રભાવિત વિસ્તારોમાં એલર્ટ

સુરેન્દ્રનગર તા. 10 ઓગસ્ટ 2019, શનિવાર
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલ ભારે વરસાદને પગલે મુળી તાલુકાનો નાયકા ડેમમાં પાણીની આવક વધતાં ડેમ ઓવરફલો થયો હતો અને તેનું પાણી ધોળીધજા ડેમમાં આવતાં શહેરનો ધોળીધજા ડેમ પણ ઓવરફલો થતાં બંન્ને કાંઠે વહેવા લાગ્યો હતો.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુળી તાલુકામાં ભારે વરસાદ તેમજ ઉપરવાસમાં પડેલ વરસાદને પગલે નાયકા ડેમમાં સતત પાણીની આવક વધી હતી અને રાતભર પડેલ વરસાદને પગલે સવારે નાયકા ડેમનાં ૨૦ જેટલાં દરવાજાઓ એક ફુટ સુધી ખોલી નાંખવામાં આવ્યાં હતાં.
જેને કારણે નાયકા ડેમનું પાણી સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાં આવતાં ધોળીધજા ડેમ પણ ૨૦ ફુટની સપાટીને પાર પહોંચી જતાં ઓવરફલો થયો હતો. જેનું પાણી ભોગાવો નદીમાં બે કાંઠે વહેવા લાગતાં શહેરીજનો નવા પાણીની આવક જોવા નદી કાંઠે તેમજ ડેમ પર ઉમટી પડયાં હતાં જ્યારે સ્થાનિક તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યાં હતાં.

