ટેટ, ટાટ અને શિક્ષણ સહાયક પરીક્ષાની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા રજૂઆત
- ભરતીની જાહેરાત કર્યા બાદ સરકારે નિર્ણય ન લેતા કલેક્ટરને રજૂઆત
સુરેન્દ્રનગર, તા.15 જૂન 2020, સોમવાર
રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮માં નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ દ્વારા શિક્ષણ સહાયકની ભરતી અંગે જાહેરાત કરવામાં આવી હતી જેને ધ્યાને લઈ રાજ્યભરના છેવાડાના ગરીબ, પછાત અને અનુ.જાતિના બાળકોને સક્ષમ શિક્ષકો પાસે અભ્યાસ પ્રાપ્ત કરવાનો મોકો મળી રહે પરંતુ બેરોજગાર ભાવી શિક્ષકોમાં આ મામલે રોષ જોવા મળ્યો હતો.
જાહેરાતથી લઈ આજ દિવસ સુધી ટાટની તેમજ ટેટની પરીક્ષા હોય કે ભરતી પ્રક્રિયા દરેક બાબતમાં સરકાર દ્વારા વિલંબ કરવામાં આવી રહ્યો છે. વર્ષ ૨૦૧૯માં સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી જેમાં પ્રથમ અને ચારેય ભરતીમાં સૌથી નાની એવી ભરતી પ્રક્રિયા ૬ મહિનાના સમયગાળામાં પણ પૂર્ણ કરવામાં આવી નથી તેમજ ૧૫ જાન્યુઆરી ૨૦૨૦થી શિક્ષણ સહાયક ભરતીની જાહેરાત કરવામાં આવનાર હતી પરંતુ તે પણ કરવામાં આવી નહોતી. આમ રાજ્ય સરકાર દ્વારા જાહેરાત બાદ ટેટ અને ટાટની પરીક્ષા તેમજ શિક્ષણ સહાયક ભરતીની પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં ન આવતાં ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો અને આ મામલે જિલ્લા કલેકટરને લેખીત રજુઆત કરી હતી તેમજ યોગ્ય ઉકેલ નહિં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.