થાનગઢની બજારોમાં સોશિયલ ડિસ્ન્સના લીરેલીરા ઉડયા : કોરોનાને મોકળું મેદાન
- વેપારીઓએ બપોર સુધી દુકાનો ખોલવાનો નિર્ણય લેતા રવિવારે ખરીદી માટે લોકોની ભીડ ઉમટી
ચોટીલા, તા. 19 જુલાઇ 2020, રવિવાર
ઝાલાવાડનાં સિરામિકસ નગર થાનગઢમાં શનિવારના બજારમાં સોશિયલ ડીસ્ટન્સનાં ધજીયા ઉડતા જોવા મળેલ હતા. બે વાગ્યે વેપાર બંધનાં સ્વેચ્છીક નિર્ણય સામે સમજુ વર્ગનો કચવાટ જોવા મળેલ હતો.
થાનગઢમાં ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા કોરોના વાયરસનાં ફેલાવો અટકાવવાનાં હેતુસર ધંધા રોજગાર બે વાગ્યા સુધીનો નિર્ણય કરેલ છે. પરંતુ શહેર અને આસપાસના ૩૦ જેટલા ગામડાઓની ખરીદી થાનગઢની બજાર ઉપર નિર્ભર હોવાથી રવિવારનાં બપોર પહેલા ખરીદી પતાવવા મોટી સંખ્યામાં સ્થાનિકો અને ગ્રામ્ય પ્રજાની ભીડ ઉમટેલ હતી અને જાણે કોરોના વાયરસની કોઇ અસર ન હોય તેમ રીતસરના સોશિયલ ડીસ્ટન્સનાં ધજીયા ઉડતા બજારમાં જોવા મળેલ હતા.
થાન શહેરમાં અનેક નાના મોટા સિરામિકસ એકમો આવેલ છે. જેને કારણે મોટી સંખ્યામાં કામદાર વર્ગ અને સ્થાનિક રહીશોને કારણે મોટો નગર પાલિકા વિસ્તાર ધરાવે છે આ ઉપરાંત નજીકનાં ૩૦થી વધુ ગામડાઓની ખરીદી થાનગઢ ની બજાર સાથે સંકળાયેલ છે. રવિવારનાં બજારની અંદર સર્જાયેલ સ્થિતિને લઈને સમજુ નાગરીકોમાં ચેમ્બર્સનાં બપોર સુધીનાં બંધનાં નિર્ણયને કારણે હોવાનો ગણગણાટ ઉઠેલ છે અને લોકો બપોર પહેલા ખરીદી પતાવવા એક સાથે આવતા આવી સોશિયલ ડીસ્ટન્સના ભારોભાર અભાવવાળી પરિસ્થિતિ ઉભી થઈ હોવાનું તારણ જણાવે છે. રાબેતા મુજબ સાંજના સાત વાગ્યા સુધી બજાર ખુલ્લી રહે તો લોકોની આટલી ભીડ ન ઉમટે અને માણસો પોતાના અનુકુળ સમયે ખરીદી માટે આવી શકે તેમજ હાલના સમયે સોશિયલ ડીસ્ટન્સની મુખ્ય જરૂરીયાત પણ જળવાય રહે. સ્થાનિક અગ્રણીએ જણાવેલ કે બજારની અંદર ઉમટતી ભીડ જોતા ખરેખર સંક્રમણ થવાની દહેશત વધી જાય છે જેથી વસ્તુ લેવાની હોય તો પણ જવામાં જોખમ જણાય છે. શહેરમાં જો ખરેખર બપોર પહેલા ખરીદી પતાવવાનાં કારણે ભીડ થતી હોય તો ચેમ્બર્સ એ પોતાના નિર્ણય બદલવો જોઈએ અને લોકોની ભીડ ન થાય સોશિયલ ડીસ્ટન્સ જળવાય તેમજ સંક્રામણનો ડર ન રહે તે રીતે તમામ સાવચેતી સાથે વેપાર ધંધો થાય તે પ્રકારનો નિર્ણય કરવો જોઈએ.