સુરેન્દ્રનગરની હોસ્પિટલમાંથી કોરોનાના વધુ 6 દર્દીઓને રજા આપી દેવાઈ
- સુરેન્દ્રનગરના બે, પાટડી તાલુકાના બે, ચુડા તાલુકા અને અમદાવાદ જિલ્લાના દર્દીઓ સ્વસ્થ થયા
સુરેન્દ્રનગર, તા.29 જૂન 2020, સોમવાર
સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે ત્યારે કોરોના પોઝીટીવ દર્દીઓને સુરેન્દ્રનગરની સરકારી હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવે છે અને સારવાર બાદ કોઈ જ લક્ષણો ન જણાતાં હોસ્પીટલમાંથી રજા આપવામાં આવતી હોય છે ત્યારે સુરેન્દ્રતનગરની સરકારી હોસ્પીટલમાંથી વધુ ૬ કોરોના પોઝીટીવ દર્દીઓને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં કોરોના વાયરસના અસંખ્યા કેસો નોંધાઈ રહ્યાં છે જેમાં મોટાભાગનાં કેસો સંક્રમણના કારણે બહાર આવી રહ્યાં છે ત્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં અંદાજે ૧૪૦થી વધુ કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોંધાઈ ચુક્યાં છે ત્યારે આ તમામ દર્દીઓને કોરોના આવ્યાં બાદ સારવાર અર્થે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવે છે અને સારવાર બાદ કોઈ જ લક્ષણો ન જણાતાં હોસ્પીટલમાંથી રજા પણ આપવામાં આવતી હોય છે ત્યારે વધુ ૬ કોરોના પોઝીટીવ દર્દીઓને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી.
જેમાં સુરેન્દ્રનગરના રાખીબેન પુનારા, રૃબિના મોહન, ચુડા તાલુકાના દલસુખભાઈ, પાટડી તાલુકાના મયુરભાઈ શુક્લ અને સબનમબેન સૈયદ તથા અમદાવાદ જિલ્લાના મહોમંદભાઈ મેમણનો સમાવેશ થાય છે.
જ્યારે આ તમામ દર્દીઓને સારવાર બાદ તાવ, શરદી કે ઉધરસ જેવા કોઈ જ લક્ષણો ન જણાતાં સરકારની ગાઈડલાઈન મુજબ રજા આપવામાં આવી હતી અને રજા આપ્યાં બાદ તમામ દર્દીઓએ હોસ્પીટલમાં ડોક્ટર અને સ્ટાફ દ્વારા આપવામાં આવેલ સારવારની પ્રશંસા કરી આભાર વ્યક્તિ કર્યો હતો અને લોકોને પણ કોરોનાથી જાગૃત રહેવાં અપીલ કરી હતી.