પાટડીના જૈનાબાદમાં કૂવાની કામગીરીમાં ગેરરીતિ થઇ હોવાનો ગંભીર આક્ષેપ
- ૧૪મા નાણાંપંચની ગ્રાંટમાંથી કરેલું કામ તકલાદી હોવાની ઉચ્ચકક્ષાએ રજૂઆત
પાટડી, તા. 18 જૂન 2020, ગુરૂવાર
પાટડી તાલુકાના જૈનાબાદ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા ૧૪મા નાણાપંચની ગ્રાન્ટમાંથી ટાંકીચોક વિસ્તારમાં સીસી રોડ તથા ગામમાં અનુ.જાતિના લોકોને કપડા ધોવા અને નહાવા માટે કુવો બનાવવામાં આવ્યો છે.
આ કામગીરીને હજુ બે મહિના પણ થયાં નથી ત્યાં રોડ પર કપચીઓ દેખાવા લાગી છે અને રોડનું લેવલીંગ ન હોવાથી જમીન પર રેતી, સીમેન્ટ, કપચીનો માલ નાંખી એસ્ટીમેટ મુજબ રોડનું કામ ન થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
જ્યારે કુવો બનાવ્યાને બે મહિના પણ થયાં નથી ત્યાં કુવાને ફરતે બનાવવામાં આવેલ કપડા ધોવાની જગ્યા બેસી ગઈ છે જે અંગે જૈનાબાદના સ્થાનિક રહિશ જમયતખાન તથા જેનુમીયા સૈયદ દ્વારા લેખીતમાં રજુઆત કરતાં જૈનાબાદ ગ્રામ પંચાયત, પાટડી ટીડીઓ, જિલ્લા વિકાસ અધિકારી સુરેન્દ્રનગર, વિકાસ કમીશ્નર ગાંધીનગર સહિતનાઓને પણ રજુઆતો કરી હોવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી.
આમ જૈનાબાદ ગામે ૧૪મા નાણા પંચમાં થયેલ કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું છે અને ભ્રષ્ટાચાર કરનાર તમામ લોકો સહિત કામ કરનાર એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે.