જિલ્લામાં રિકવરી વધવા લાગી : સુરેન્દ્રનગર હોસ્પિટલમાંથી કોરોનાના 10 દર્દીને રજા અપાઈ
- સુરેન્દ્રનગર, રતનપર અને વઢવાણ વિસ્તારના દર્દીઓની હાલતમાં સુધારો થતા ઘેર પરત મોકલી દેવાયા
સુરેન્દ્રનગર, તા.7 જુલાઈ 2020, મંગળવાર
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે અને દરરોજ શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારમાં સરેરાશ ૮ થી ૧૦ કેસ નોંધાઈ રહ્યાં છે ત્યારે તમામ કોરોના પોઝીટીવ દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવે છે અને સારવાર બાદ તાવ, શરદી કે ઉધરસ જેવાં લક્ષણો ન જણાતાં હોસ્પીટલમાંથી રજા આપવામાં આવે છે ત્યારે વધુ ૧૦ દર્દીઓને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તાર સહિત જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે અને દરરોજ સરેરાશ ૮ થી ૧૦ કેસ નોંધાઈ રહ્યાં છે. તેમજ અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ ૨૩૭ જેટલાં કેસો નોંધાઈ ચુક્યાં છે ત્યારે તમામ કોરોના પોઝીટીવ દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગર સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવે છે અને ત્રણ કે ચાર દિવસની સારવાર બાદ કોઈ લક્ષણો ન જણાતાં હોસ્પીટલમાંથી રજા આપવામાં આવે છે ત્યારે શહેરની સરકારી હોસ્પીટલમાંથી વધુ ૧૦ કોરોના પોઝીટીવ દર્દીઓને રજા આપવામાં આવી હતી.
જેમાં લીંબડી શહેરી વિસ્તારના પ્રફુલચંદ્ર ભોગીલાલ ઉ.વ.૬૮, કનકબેન પ્રફુલચંદ્ર ઉ.વ.૬૭, ધ્રાંગધ્રા શહેરી વિસ્તારનાં જયશ્રીબેન દિપકભાઈ રાવલ ઉ.વ.૪૧, રતનપર શહેરી વિસ્તારનાં ભરતભાઈ દાદુભાઈ માલણ ઉ.વ.૪૫, જોરાવરનગર વિસ્તારનાં ક્રિષ્નાબેન પ્રદિપભાઈ ઉ.વ.૨૬ તથા શહેરી વિસ્તારના વૈભવીબેન ઠાકર ઉ.વ.૨૬, સંગનાબેન જયેન્દ્રભાઈ ઉ.વ.૩૨, ભગવતીબેન પટેલ ઉ.વ.૪૦, નમોનારાયણ મીણા ઉ.વ.૩૩ અને રીચાબેન જીવાણી ઉ.વ.૨૬વાળાને સારવાર બાદ કોઈ જ લક્ષણો ન જણાતા હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે તમામ દર્દીઓએ હોસ્પીટલમાં આપવામાં આવેલ સારવાર બદલ વહિવટીતંત્ર સહિત ડોક્ટર અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો અને લોકોને કોરોના વાયરસથી સાવચેત રહેવા જણાવ્યું હતું.