For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઝાલાવાડ પંથકમાં વિજળીનાં કડાકા સાથે વરસાદ

Updated: Mar 18th, 2023

Article Content Image

- ચોટીલા, દસાડા, લખતર અને વઢવાણ તાલુકાનાં વિસ્તારોમાં બપોર બાદ હવામાન પલટાયું

- હળવદ તાલુકાના ધનાળા ગામે વરસાદ સાથે કરાં પડયા : વિરમગામમાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો : લીંબડીમાં સતત ત્રણ દિવસથી પડતો વરસાદ

સુરેન્દ્રનગર,વિરમગામ, લીંબડી, હળવદ : હવામાન ખાતાની આગાહી મુજબ સુરેન્દ્રનગર શહેર સહીત જીલ્લામાં ગઈકાલે પણ ભરઉનાળે વરસાદી માહોલ રહ્યો હતો બપોર બાદ હવામાન પલ્ટાતા  સુરેન્દ્રનગર-ચોટીલા, વઢવાણ, લખતર,સહીતના પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા જનજીવન ખોરવાયુ હતુ. ખેતીને વ્યાપક નુકશાન થવાની પણ ભીતી સેવાઈ રહી છે.

આ અંગેની વધુ વિગત એવી છે કે, ગુરૂવારે લખતર, લીંબડી અને ચુડા પંથકમાં મીનીવાવાઝોડા સાથે વરસેલા કમૌસમી માવઠા બાદ ગઈકાલે શનિવારે બપોર બાદ વિજળીના કડાકા-ભડાકા સાથે ઠેરઠેર ધોધમાર વરસાદ પડયો હતો-સુરેન્દ્રનગર તેમજ દુધરેજ, ખેરાળી, ગાજણવાવ, સહીતના આસપાસના વિસ્તારો, ચોટીલા, લખતર, દસાડા સહીતનાં તાલુકામાં વરસાદ પડયો હતો ફલડ કંન્ટ્રોલ રૂમના જણાવ્યા પ્રમાણે ચોટીલા તાલુકામા ૭ મી.મી, દસાડા તાલુકામાં ૬ મી.મી, લખતર તાલુકામાં ૪ મી.મી. અને વઢવાણ તાલુકામાં ૨ મી.મી. મળીને સાંજના ૬ વાગ્યા સુધીમાં જીલ્લામાં ૧૯ મી.મી. વરસાદ નોંધાયો હતો. લખતરના પ્રતિનીધીના જણાવ્યા મુજબ, લખતર પંથકમાં સતત ત્રીજા દિવસે મેઘાડંબર છવાયુ હતુ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને વરસાદ પડયો હતો લગ્નની સીઝન હોવાથી લગ્ન પ્રસંગોમાં પણ વરસાદી વિઘ્ન આવતા લગનીયાઓ નિરાશ થયા હતા. સાકરગામે કરા સાથે વરસાદ પડયા ના અહેવાલ છે. બીજી તરફ એરંડા કપાસ, ઘઉ,અજમો, રાઈડો સહીતના પાકોને નુકશાન થવાની ખેડુતોમાં ચિંતા વ્યકત થઈ રહી છે. થાનઢ પંથકમાં સામાન્ય વરસાદી છાંટા સાથે ગાજવીજનો માહોલ રહ્યો હતો. ચોટીલા પંથકમાં રોડ- રસ્તા પલાળી દેતો વરસાદ પડયો હતો સુરેન્દ્નગરમાં પણ બપોર પછી દેધનાધન વરસાદ શરૂ  થયો હતો. હવામાન ખાતા દ્વારા હજુ પણ પાંચ દિવસ છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

 હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા  આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા. ઉનાળામાં ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ  સર્જાયું હતું. ત્યારે હળવદ તાલુકાના  ધનાળા સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદનું આગમન થયું હતું .આમ કમોસમી વરસાદ પડતાં ?ધરતી પુત્રોને ચિંતામાં વધારો થયો હતો . ચણા,ધાણા, ઘઉં , જેવા પાક તૈયાર હોઈ વરસાદી ઝાપટું આવતા  ખેડૂતો ચિંતા માં વધારો થયો હતો.

વિરમગામમાં બપોરના સમયે અચાનક હવામાનમાં પલટો આવતા ફરી એકવાર ગરમી ઠંડી અને વરસાદી વાતાવરણ વચ્ચે ત્રણ તુનો સંગમ જોવા મળ્યો હતો. વિરમગામ શહેર અને પંથકમાં બપોર બાદ એકાએક કાળા ડિબાગ વાદળો આકાશમાં ઘેરાયા હતા. ગાજવીજ સાથે વરસાદી છાંટા પણ પડયા હતા. વાદળાના કારણે સૂર્ય ઢંકાઇ જતા ધોળા દિવસે અંધકાર છવાઈ ગયો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.કમોસમી વરસાદના પગલે ઘઉં, એરંડા , જીરું સહિતના પાકો લેવાના સમયે ખેડૂતો ચિંતાતુર બન્યા હતા .

લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે પણ ભારે પવન સાથે વરસાદ વરસતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતાં. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પાંચ દિવસની વરસાદની આગાહીને લઈને લીબડીમાં સતત ત્રણ દિવસથી ભારે પવન સાથે વરસાદ વરસતાં ખેડૂતોનાં પાકને ભારે નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતો દ્વારા ગુજરાત સરકાર પાસે માંગણી છેકે લીંબડી તથા ચુડા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે કરીને જે ઉભા પાકોને નુકસાન થવા પામ્યું છે. તેનું યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. તો બીજી તરફ કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. અને બે તુને કારણે મચ્છરોનો ઉપદ્રવથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત લોકોમાં સેવાઈ રહી. 

વરસાદથી સમૂહ લગ્નમાં લોકો હેરાન થયા

સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં આવેલ તોપવાળી મેલડી માતાજીના ભાવિકો, માર્કેટના શ્રમિકો દ્વારા દર વર્ષની જેમ આજેસર્વજ્ઞાતી સમૂહલગ્નોત્સવનું આયોજન કરેલુ હોઈ ગઈકાલે માર્કેટમાં દિકરીઓને આપવામાં આવનાર કરીયાવરની સામગ્રી ગોઠવવામાં આવી હતી પરંતુ અચાનક વરસાદ આવતા આ કરીયાવર ઉપાડી દુકાનોમાં મુકવાની ફરજ પડી હતી લગ્નોત્સવ માટે નાંખવામાં આવેલ મંડપ પણ પલળી ગયા હતા.

કુંથુનાથદેરાસર ચોકમાં પાણી ભરાયા

ચોમાસામાં વરસાદ પડે ત્યારે સુરેન્દ્રનગરના નવા જંકશન તરફ જતા કુંથુનાથ દેરાસર ચોકમાં વરસાદી પાણી ભરાતા હોય છે. ગઈકાલે ભરઉનાળે આવેલા વરસાદમાં પણ અહીં થોડીવાર માટે મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી.

લખતર પંથકમાં ખેતીને ભારે નુકશાન

લખતર પંથકમાં સતત ત્રણ દિવસથી મેઘાડંબર છવાયેલુ રહે છે. ગુરૂવારે વરસાદ આવ્યા બાદ ગઈકાલે પણ ગાજવીજ સાથે વરસાદ થતા એરંડો, કપાસ,ઘઉ,બાજરી, અજમો અને રાઈડો સહીતનાં પાકને વ્યાપક નુકશાન જવાની ભીતી સેવાઈ રહી છે.

Gujarat