મનરેગા યોજના હેઠળ પાટડીમાં માત્ર 17 જોબકાર્ડ ધારકોને કામ મળતા રોષ
- ૧૫૦થી વધુ જોબકાર્ડ ધારકોએ મનરેગા કચેરીએ ભેગા થઈ ઉગ્ર રજૂઆત કરી
પાટડી, તા.19 જૂન 2020, શુક્રવાર
રાજ્ય સરકાર દ્વારા હાલ મનરેગા યોજના અંતર્ગત જિલ્લાના મોટાભાગના તમામ ગામોમાં રાહતના કામો શરૃ કરવામાં આવ્યાં છે જેથી ગરીબ લોકોને રોજગારી મળી રહે પરંતુ પાટડીના ચીકાસર ગામમાં રાહત કાર્ય શરૃ થતાં જ માત્ર ૧૭ જોબકાર્ડ ધારકોને જ કામ મળતાં અન્ય ૧૫૦થી વધુ જોબકાર્ડ ધારકોને કામ ન મળતાં રોષ જોવા મળ્યો હતો અને પાટડી ખાતે આવેલ મનરેગાની કચેરીએ ઉમટી પાડયાં હતાં અને રોજગાર મેળવવા રજુઆત કરી હતી.
જેમાં માત્ર ૧૭ જેટલાં લોકોના જોબકાર્ડ, આધાર અને બેન્ક ખાતા લીંક થયાં છે અને બાકીના ન થયાં હોવાનું બહાર આવ્યું હતું આથી આ કાર્યવાહી પૂર્ણ થયાં બાદ દરેકને રાહતકામ મળશે તેમ જવાબદાર અધિકારીએ જણાવ્યું હતું જ્યારે આ અંગે ચીકાસર ગામના સરપંચ તથા ઉપ-સરપંચ પણ આવી પહોંચ્યા હતાં અને લોકોને પોતાના આધાર કાર્ડ તથા બેન્ક પાસબુકની નકલ સાથે ફોર્મ ભરીને ગ્રામ પંચાયતમાં આપી જવા જણાવ્યું હતું અને ત્યારબાદ દરેકના જોબકાર્ડ લીંક કરી કામ આપવામાં આવશે તેવી ખાત્રી આપતાં મામલો થાળે પડયો હતો.