સાયલાના નીનામ ગામમાં બે જ્ઞાાતિના જૂથો વચ્ચે મારામારી થતાં એક ઘાયલ
- ઈજાગ્રસ્તને વિછીંયાની હોસ્પિટલમાં ખસેડાયો પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો
સાયલા, તા. 9 જુલાઈ 2020, ગુરુવાર
સુરેન્દ્રનગર જિલ્લામાં નજીવી બાબતે મારામારી અને જુથ અથડામણના બનાવો વધી રહ્યાં છે ત્યારે સાયલા તાલુકાના નીનામા ગામે અગાઉ જુની અદાવતનું મનદુઃખ રાખી અલગ-અલગ જ્ઞાાતિના બે જુથો વચ્ચે મારામારી થતાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને સારવાર અર્થે વિછીંયા સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાયલા તાલુકાના છેવાડાના ગામ એવાં નીનામામાં જુની અદાવતનું મનદુઃખ રાખી ફરી અલગ-અલગ જ્ઞાાતિના બે લોકો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં તીક્ષણ હથિયારો વડે બંન્ને પક્ષો સામસામે આવી જતાં અથડામણ સર્જાઈ હતી જેમાં એક વ્યક્તિને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે વિછીંયા હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આ બનાવની જાણ થતાં ધજાળા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમસ્ત ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.