બાવળામાં બેન્ક કર્મચારીની 1.69 કરોડની ઉચાપત અંગે અધિકારીઓ મૌન બની ગયા !
- એલસીબીને તપાસ સોંપાઈ છે છતાં અધિકારીઓએ કંઈ કહેવાનો ઈનકાર કરતા લોકોમાં ચર્ચાઓ જાગી
બગોદરા, તા.27 જૂન 2020, શનિવાર
તાજેતરમાં અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે આવેલ બેન્કો ઓફ બરોડામાં ફરજ બજાવતાં કર્મચારીએ આઈડીનો ખોટો દુર ઉપયોગ કરી કરોડો રૃપિયાની ઉચ્ચાપત અંગે બાવળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી જ્યારે આ મામલે એલસીબી પોલીસને તપાસ સોંપવામાં આવી હતી અને બેન્કના જવાબદાર અધિકારીઓએ કાંઈ પણ કહેવાનો ઈન્કાર કરતાં અનેક ચર્ચાઓ વહેતી થવાં લાગી હતી.
બાવળા ખાતે આવેલ બેન્ક ઓફ બરોડામાં સ્પેશ્યલ આસીટન્ટ તરીકે ફરજ બજાવતાં કર્મચારી કિરણભાઈ લાલુભાઈ ચુનારાએ પોતાના તેમજ અન્ય બેન્ક કર્મચારીઓ, ગ્રાહકોના આઈડી અને પાસવોર્ડનો દુર ઉપયોગ કરી પોતાની પત્ની ભારતીબેન કિરણભાઈ ચુનારાના ખાતામાં તેમજ અન્ય ખાતામાં અલગ-અલગ સમયે અંદાજે રૃા.૧.૬૯ કરોડની ઉચાપત કરી ઓનલાઈન આ રકમ ટ્રાન્સફર કરી હતી જે અંગે બાવળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી. પરંતુ આ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈ અમદાવાદ જિલ્લા પોલીસવડા દ્વારા આ કેસની તપાસ હવે એલસીબીને સોંપવામાં આવી છે જ્યારે બીજી બાજુ આજ મામલે બેન્કના જવાબદાર અધિકારીઓએ મીડીયાસમક્ષ કાંઈપણ કહેવાનો ઈન્કાર કરતાં લોકોમાં અનેક ચર્ચાઓ વહેતી થવાં લાગી હતી અને જવાબદાર તમામ બેન્ક કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.