સાયલા તાલુકાના ડોળિયા પાસે ભોગવો નદીમાં અસંખ્ય માછલીઓના મોત
- ગંદા પાણીથી મોત થયા હોવાની ચર્ચા
સાયલા, તા.8 જૂન 2020, સોમવાર
સાયલા તાલુકાના ડોળીયા ગામમાંથી પસાર થતી ભોગાવો નદીમાં મોટીસંખ્યામાં માછલીઓના મોતથી ચકચાર મચી જવા પામી હતી.
જે અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાંથી ભોગાવો નદી પસાર થાય છે ત્યારે સાયલા તાલુકાના ડોળીયા ગામ પાસેથી પસાર થતી ભોગાવો નદીમાં કોઝવે પાસેના ભાગમાં મોટીસંખ્યામાં માછલીઓના મોત નીપજતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડયાં હતાં.
જ્યારે હાલ ઉપરવાસમાં વરસાદ નથી તેમજ નવા પાણીની આવક પણ નથી ત્યારે મોટીસંખ્યામાં માછલીઓના મોતથી અનેક ચર્ચાઓ વહેતી થવાં લાગી હતી જ્યારે પ્રાથમિક તપાસમાં જૈના દેરાસર હાઈસ્કૂલવાળા વોકળામાં ગંદકી અને ગંદા પાણીથી માછલીઓના મોત નીપજ્યાં હોવાની ગ્રામજનોમાં આશંકાઓ સેવાઈ રહી છે. જ્યારે કોઝવેના નીચેના ભાગમાં પાણી છે ત્યાં એક પણ માછલી મૃત નજરે પડી નહોતી આમ મોટીસંખ્યામાં માછલીઓના મોત નીપજતાં ગ્રામજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.