ધ્રાંગધ્રા શહેરના જડેશ્વર મંદિર પાછળ છરીના ઘા ઝીંકી આધેડ શખ્સની હત્યા
- ઝઘડાબાદ છ જેટલા શખ્સોએ બોલાવી હત્યા કરી : પોલીસે 6 પૈકી ત્રણની ધરપકડ કરી
ધ્રાંગધ્રા, તા.3 જુલાઈ 2020, શુક્રવાર
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યંત કથળી રહી છે અને જિલ્લામાં દિન-પ્રતિદિન લુંટ, હત્યા, ફાયરીંગ સહિતના બનાવો વધી રહ્યાં છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં જિલ્લામાં હત્યાના ત્રણ બનાવો બન્યાં હતાં. જેમાં મોડી રાત્રે ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં આઘેડની છરીના ઘા ઝીંકી હત્યાનો બનાવ બનતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી જેમાં ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાના છ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં રહેતાં અને છુટક મજુરી કરી ગુજરાત ચલાવતાં લખધીરભાઈ ઉર્ફે કાળુભાઈ રૃપાભાઈ ઠાકોર ઉ.વ.૫૫વાળાના પુત્ર શન્ની ઠાકોર તથા તેના મિત્રોએ ધ્રાંગધ્રાના ફુલેશ્વર મંદિર પાસે આવેલ ઓરડીમાં જમવાનું બનાવ્યું હતું. અને જમવાની તૈયારી કરી રહ્યાં હતાં ત્યારે ૬ જેટલાં શખ્સોએ આવી આ જગ્યા પર કેમ એકત્ર થયાં છો અને અહિં નહિં આવવાનુ જણાવી બનાવેલ જમવાનું ફેંકી દઈ બોલાચાલી કરી હતી અને એક શખ્સને બે લાફા ઝીંક્યા હતાં અને ઝધડો કર્યો હતો. ત્યારબાદ જડેશ્વર મંદિર પાસે આવેલ સ્કૂલની બાજુમાં સમાધાન કરવા ફરિયાદીને બોલાવ્યો હતો આથી ફરિયાદીના પિતા લખધીરભાઈ ઉર્ફે કાળુભાઈ ઠાકોર તથા અન્ય એક શખ્સ મોટરસાયકલ પર ત્યાં ગયાં હતાં જ્યાં ૬ જેટલાં શખ્સોએ બોલાચાલી કરી છરીના ઘા ઝીંકી ફરિયાદીના પિતા લખધીરભાઈ ઉર્ફે કાળુભાઈ ઠાકોરની હત્યા નીપજાવી નાસી છુટયાં હતાં. જે અંગે મૃતકના પુત્ર શન્ની ઠાકોરે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે ૬ શખ્સો દિલીપસિંહ ઉર્ફે બાલાભાઈ ખેંગારભાઈ પરમાર, શ્યામ જીતેન્દ્રસિંહ ઉર્ફે મુન્નાભાઈ પરમાર, જયેશભાઈ ઉર્ફે હક્કો મનસુખભાઈ મોરી, શબ્બીર ઉર્ફે મનુભાઈ મહેબુબભાઈ ચૌહાણ, રાજુ ઉર્ફે વાંદરી જયંતિભાઈ ચૌહાણ, અન્ય એક શખ્સ સહિત કુલ ૬ શખ્સો સામે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં સીટી પીઆઈ બી.એમ.દેસાઈએ વધુ તપાસ હાથધરી હતી. જેમાં ગણતરીના કલાકોમાં ૬ આરોપીઓ પૈકી મુખ્ય ત્રણ આરોપીઓ દિલીપસિંહ ઉર્ફે બાલાભાઈ ખેંગારભાઈ પરમાર, શ્યામ જીતેન્દ્રસિંહ ઉર્ફે મુન્નાભાઈ પરમાર, જયેશભાઈ ઉર્ફે હક્કો મનસુખભાઈ મોરીને ઝડપી પાડયાં હતાં જ્યારે અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતાં.