વિરમગામમાં કરિયાણાની દુકાનના ગોડાઉનમાંથી સરકારી અનાજનો મસમોટો જથ્થો પકડાયો
- ગોડાઉનમાંથી અનાજ સહિત 2.32 લાખનો જથ્થો જપ્ત
- ટાઉન પોલીસે તપાસ કરી સરકારી અનાજ સગેવગે કરવાના કેસમાં બે વેપારીઓ સામે કાર્યવાહી કરી
અમદાવાદ, તા. 12 જુન 2020, શુક્રવાર
વિરમગામ ટાઉન પોલીસે ખાનગી બાતમીના આધારે શહેરના ભરવાડી દરવાજા મીલ ફાટક પાસેની કરીયાણાના ગોડાઉનમાં સરકારી અનાજનો જથ્થો ખાલી કરતા તપાસ હાથ ધરી હતી.
મહામારી કોરોના, લોકડાઉન અને વર્તમાન પરિસ્થિતિને લઇને રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગ માટે સરકાર દ્વારા સસ્તા દુકાન પર ગરીબોને મફત અનાજની જાહેરાત કરાઈ હતી અને અનાજ લોકોને અપાયું પણ અમુક લેભાગુ કર્મચારીઓ અને સસ્તા અનાજની દુકાન લાયસન્સ ધરાવતા વેપારી દ્વારા ગરીબોનું અનાજ બારોબાર વેચીને મસમોટી કમાઈ કરતા હોય છે. તેવો જ કિસ્સો હાલ વિરમગામમા સામે આવ્યો છે. વિરમગામ ટાઉન પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે શહેરના ભરવાડી દરવાજાથી મીલ ફાટક જવાના રસ્તા પર વિજય એન્ડ જીતેન્દ્રકુમારની કરીયાણા દુકાન ગોડાઉનમાં છોટા હાથીમાંથી સસ્તા અનાજની દુકાનના ઘઉં, ખાંડ, ચોખા ખાલી કરતો હતો. પોલીસે તપાસ હાથ ધરતા ગોડાઉનમાં ઘઉં, ચોખા અને ખાંડ અને ચણાના વિવિધ કટ્ટા સાથે કુલ ૨,૩૨,૮૦૦ લાખના મુદ્દામાલ સાથે રેશનિંગનો મુદ્દામાલ મળી આવ્યો છે. જેની પોલીસે ૨ વેપારી વિજય મંગતરામ કાછેલા સિંધી અને પ્રશાંત જીતેન્દ્ર સીંધીનાઓ સામે કાર્યવાહી કરી છે. બીજી બાજુ આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી પોલીસે મામલતદાર અને પુરવઠા વિભાગને જાણ કરતા વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.
તાલુકાના ગામોની સરકારી અનાજની દુકાન રેશનિંગનો મુદ્દામાલ ખાનગી વાહનો વાટે વિરમગામ શહેરના કરીયાણાની દુકાનોમા વેચાણ કરવામાં આવે છે.
આ સમગ્ર સરકારી અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરવામાં તાલુકાના પંથકના રાજકીય હોદ્દેદારો અને વચેટીયાઓ હાથ હોય શકે છે અને આ મામલે સરકાર અને તંત્રના અધિકારીઓ કેવી અને કઇ દિશામાં તટસ્થ અને સચોટ તપાસ કરે છે તે જોવું રહ્યું.