ખમીસણા - દાણાવાડાનો સીંગલપટ્ટી રોડ બિસ્માર હાલતમાં

- નાગરિકો રસ્તાની બન્ને બાજુ ગાંડા બાવળના ઝૂંડથી પરેશાન
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરનાં ધોળીધજા ડેમ નજીક આવેલ નર્મદા કેનાલ થી ખમીસણા - દાણાવાડ તરફ જતા રસ્તાની ભંગાર હાલતને કારણે ગ્રામજનોને પારાવાર મુશ્કેલી પડી રહી હોવાની ફરીયાદ ઉઠવા પામેલ છે.
આ અંગેની વિગત એવી છે કે, ખમીસણા - દાણાવાડા સહીતના ગામ તરફ જતો રસ્તો અત્યંત ખરાબ છે. સીંગલપટ્ટી રોડની બન્ને બાજુ ગાંડા બાવળ ઉગી નીકળ્યા છે. ખાસ કરીને ચોમાસામાં વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલી પડે છે, અને અકસ્માત થવાનો ભય પણ રહે છે. આ રોડ ઉપરથી અનેક ગ્રામજનો - વાહનચાલકોને દરરોજ પસાર થવાનું હોય છે. નર્મદા કેનાલે સહેલાણીઓ પણ આવતા હોય છે. આ તમામ લોકોને ખૂબજ મુશ્કેલી પડે છે. તંત્ર દ્વારા રોડની બન્ને સાઈડથી બાવળના ઝૂંડ દૂર કરવામાં આવે અને રસ્તાને પહોળો કરવામાં આવે તેવી માંગણી છે.

