Get The App

સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકામાં વઢવાણ પાલિકાનો સમાવેશ : હવે સંયુક્ત નગરપાલિકા

- મુખ્યમંત્રીએ નિર્ણય લેતા વિકાસ કાર્યોમાં વેગ આવશે : વઢવાણ પ્રાંત અધિકારીને સંયુક્ત નગરપાલિકાની જવાબદારી સોંપાઈ

Updated: Jun 22nd, 2020

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકામાં વઢવાણ પાલિકાનો સમાવેશ : હવે સંયુક્ત નગરપાલિકા 1 - image


સુરેન્દ્રનગર, તા.22 જૂન 2020, સોમવાર

સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકા તેમજ વઢવાણ નગરપાલિકા બંન્ને વર્ષોથી અલગ-અલગ હોવાથી અલગ વહિવટ ચાલતો હતો જેના કારણે સુરેન્દ્રનગર,જોરાવરનગર, રતનપર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં વિકાસના કામો અટવાઈ પડયાં હતાં અને એકંદરે બંન્ને નગરપાલિકામાં વિકાસ રૃંધાયો હોય તેમ લાગી રહ્યું હતું. 

છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકાર દ્વારા બંન્ને નગરપાલિકાઓને સંયુક્ત કરી મહાનગરપાલિકા અથવા સંયુક્ત નગરપાલિકા જાહેર કરવામાં આવે તેવી બંન્ને નગરપાલિકાના સત્તાધિશો દ્વારા મુખ્યમંત્રી સહિત ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવામાં આવી હતી. જેના ભાગરૃપે તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીએ સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકામાં વઢવાણ નગરપાલિકાનો સમાવેશ કરી સંયુક્ત નગરપાલિકાની રચના કરવાનો નિર્ણય કરતાં પાલિકાના સત્તાધિશો સહિત શહેરીજનોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેર ખુબ જ નજીકના અંતરમાં આવેલા છે તેમ છતાંય બંન્ને નગરપાલિકાઓનો વર્ષોથી અલગ-અલગ વહિવટ ચાલતો હતો જેમાં સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકા અને વઢવાણ નગરપાલિકાની અલગ-અલગ કચેરીઓ હોવાથી અરજદારો સહિત લોકોને હાલાકી પડી રહી હતી. આ ઉપરાંત બંન્ને નગરપાલિકાઓ અલગ-અલગ હોવાથી વિકાસની ગતિ પણ ધીમી હતી અને ગ્રાન્ટ મળતી હોવા છતાં કોઈ કારણોસર વિકાસના કામો ન થતાં હોવાનું ધ્યાને આવ્યું હતું અને એકંદરે બંન્ને શહેરોમાં વિકાસ રૃંધાયો હોય તેમ લાગી રહ્યું હતું. ત્યારે આ અંગે અનેક રજુઆતોને ધ્યાને લઈ તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીએ રાજ્યની ત્રણ નગરપાલિકાઓને સંયુક્ત કરવાનો મહત્વપૂર્વ નિર્ણય લીધો છે જેમાં સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકામાં વઢવાણ નગરપાલિકાનો સમાવેશ કરી સંયુક્ત નગરપાલિકા રચવામાં આવી છે. જેની મુખ્ય કચેરી સુરેન્દ્રનગર ખાતે રહેશે તેમજ હાલ આ સંયુક્ત નગરપાલિકામાં વહિવટદાર તરીકે વઢવાણ પ્રાંત અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. આમ અનેક રજુઆતો બાદ મુખ્યમંત્રી દ્વારા સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકામાં વઢવાણ નગરપાલિકાનો સમાવેશ કરતાં કહીં ખુશી કહીં ગમ જેવો ઘાટ પણ સર્જાયો છે. જો કે બુધ્ધિજીવી લોકોના જણાવ્યા મુજબ બંન્ને નગરપાલિકાઓ અલગ-અલગ હોવાથી થતાં વિકાસના કામોમાં વેગ મળશે અને આ ઉપરાંત ગ્રાંટમાં પણ વધારો થતાં વિકાસના કામો વધુ અને ઝડપી બનશે તેમજ વઢવાણ પ્રાંત અધિકારી પાસે સત્તા હોવાથી તમામ કામગીરી અને ગ્રાન્ટો પારદર્શક રીતે ગેરરીતી વગર ખર્ચ કરવામાં આવશે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં જ માલુમ પડશે કે મુખ્યમંત્રીના આ નિર્ણયથી પ્રજાને ફાયદો થાય છે કે નુકશાન.

Tags :