સુરેન્દ્રનગરમાં કોંગી કાર્યકરોએ ગંદકી મામલે બેનરો સાથે સુત્રોચ્ચાર કર્યા
- યોગ્ય પગલાં નહીં લેવાય તો આંદોલનની ચિમકી
- પાલિકા તંત્રના પાપે કેટલાક વિસ્તારોમાં ગટરોના અને વરસાદના પાણી ભરાતા ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય
સુરેન્દ્રનગર, તા. 21 જૂન 2020, રવિવાર
સુરેન્દ્રનગર શહેરના અમુક રસ્તાઓ સહિતના માર્ગો ૫ર ઠેરઠેર કચરાના ઢગલાઓ તથા ગંદકી થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે આ અંગે સ્થાનિક રહિશો સહિતના આગેવાનો દ્વારા અનેક વખત રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલા લેવામાં ન આવતાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા ગંદુનગરના બેનર સાથે ગંદકીના સ્થળે ઉભા રહી અનોખો વિરોધ કર્યો હતો.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરકાર દ્વારા એક તરફ યોગ દિવસની ઉજવણી કરી લોકોને સ્વાસ્થય માટે જાગૃત કરવામાં આવી રહ્યાં છે ત્યારે બીજી બાજુ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં પાલિકા તંત્રની બેદરકારીના કારણે શહેરના અનેક રસ્તાઓ સહિત રહેણાંક વિસ્તારોમાં કચરાના ઢગલા, ભુગર્ભ ગટરો સહિતની ગંદકી જોવા મળી રહી છે તેમજ અમુક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહેતાં રોગચાળો ફેલાવાની દહેશત પણ સેવાઈ રહી છે. ત્યારે તાજેતરમાં આજ મામલે કોંગ્રેસ દ્વારા પાલિકાને તાળાબંધી કરવામાં આવી હતી જેના બીજા દિવસે પણ કોંગ્રેસ દ્વારા પાલિકા પ્રમુખના વોર્ડમાં જ જે જગ્યાએ ગંદકી ફેલાય છે ત્યારે ગંદુ સુરેન્દ્રનગર અને માંદુ સુરેન્દ્રનગરના બેનરો લઈ સુત્રોચ્ચાર કર્યો હતો અને આગામી દિવસોમાં તંત્ર દ્વારા પગલા લેવામાં નહિં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ તકે ગિરિરાજસિંહ ઝાલા, કમલેશ કોટેચા, રોહિત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.