Get The App

સુરેન્દ્રનગરમાં 2 શખ્સોએ પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

- રેડના બહાને પોલીસ હેરાન કરતી હોવાનો આક્ષેપ : જોકે પોલીસે આંબેડકર ચોકમાં બંનેની અટકાયત કરી

Updated: Jun 27th, 2020

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગરમાં 2 શખ્સોએ પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો 1 - image


સુરેન્દ્રનગર,  તા.27 જૂન 2020, શનિવાર

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે અને જિલ્લામાં દિન-દહાડે લુંટ, હત્યા, ફાયરીંગ, મારામારી જેવાં બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરના આંબેડકર ચોક વિસ્તારમાં ઈંગ્લીશ દારૃની રેડ બાબતે બે શખ્સો અને પોલીસ વચ્ચે રકઝક અને હોબાળો થયો હતો જેમાં બંન્ને શખ્સો દ્વારા પોતાની જાત પર પેટ્રોલ છાંટી આત્મહત્યાના પ્રયાસો કરતાં પોલીસે અટકાયત કરી બંન્ને શખ્સોને પોલીસ મથકે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અને બંન્ને વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના આંબેડકર ચોક વિસ્તારમાં ઈંગ્લીશ દારૃ અને જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની બાતમીના આધારે બી ડિવીઝન પીએસઆઈ વી.પી.મલ્હોત્રા સહિતના સ્ટાફે રેઈડ કરી હતી.

જે દરમ્યાન આ વિસ્તારમાં રહેતાં બે શખ્સો મનસુખ ઉર્ફે ચકો રણછોડભાઈ પરમાર તથા હિતેષભાઈ ઉર્ફે બોટી કનુભાઈ દુલેરા બંન્ને રહે.આંબેડકરનગરવાળાએ આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં ન આવે તે માટે પોતાની જાત ઉપર પેટ્રોલ છાંટી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે સ્થાનિક વિસ્તારના રહિશો સહિત આંબેડકર ચોક ખાતે ઉમટી પડયાં હતાં અને હોબાળો મચાવ્યો હતો જ્યારે આ બનાવની જાણ થતાં ડીવાયએસપી એ.બી.વાળંદ, એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલ, એસઓજી પીઆઈ સહિત એ ડિવીઝન, બી ડિવીઝન, જોરાવરનગર, વઢવાણ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને બંન્ને શખ્સો પોતાની જાત ઉપર પેટ્રોલ છાંટી સળગાવવાના પ્રયાસો કરતાં બંન્નેને કોર્ડન કરી સળગવા દીધા નહોતા અને અટકાયત કરી બી ડિવીઝન પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જ્યારે ઝડપાયેલ બંન્ને શખ્સો દ્વારા પોલીસ કર્મચારીઓ વિનોદભાઈ, સરદારસિંહ, વનરાજસિંહ, મુળજીભાઈ , અજીતસિંહ, હરેશભાઈ સહિતનાઓ સાથે ગેરવર્તન કરી જોર જોરથી રાડો પાણી ખોટી રીતે હેરાન પરેશાન કરતાં હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. 

જ્યારે આ અંગે બી ડિવીઝન પીએસઆઈ વી.પી.મલ્હોત્રાએ બંન્ને સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે ત્યારે પોલીસની રેઈડ બાબતનું મનદુઃખ રાખી બે શખ્સો દ્વારા આંબેડકર ચોકમાં હોબાળો મચાવી પેટ્રોલ છાંટી આત્મહત્યાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો અને પોલીસ સામે હેરાન કરતાં હોવાનો આક્ષેપ કર્યો હતો ત્યારે મોડી રાત સુધી આ મામલે શહેરનાં બી ડિવીઝન પોલીસ મથકે લોકોના ટોળેટોળાં ઉમટી પડયાં હતાં.

Tags :