ઘૂડખર અભ્યારણ પાસે ખનન નહીં અટકે તો ગાંધીનગર રજૂઆતની ચિમકી

સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા અને હળવદ તાલુકાનાં ઘુડખર અભ્યારણ નજીકનાં રણ વિસ્તારમાં રેતીચોરીનું દૂષણ વધી રહ્યું છે.જિલ્લા પંચાયતના સદસ્ય છત્રસિંહ ગુંજારીયાએ ઘુડખર અભ્યારણ - ધ્રાંગધ્રાના આર.એફ.ઓ અને હળવદના આર.એફ.ઓને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યા મુજબ, હળવદ રેન્જનાં ટીકરના રણમાં તેમજ ધ્રાંગધ્રા રેન્જના જેસડા, કુડાના રણમાં અને માલવણ, થળા, સુલતાનપુર વિસ્તારની રેન્જમાં કોઈ પણ જાતની રોકટોક વગર રેતી ચોરી થાય છે. કેટલાક અધિકારીઓની રહેમનજરના કારણે ખનીજ સંપદા મહામુલી રેતી સહિતના ખનિજની ચોરીને પ્રોત્સાહન મળી રહ્યુ હોવાનો આક્ષેપ કરાયો છે. રાતના અંધારામાં દરરોજ હજારો મેટ્રીકટન રેતી રણમાંથી ગેરકાયદેસર ઉલેચાઈ રહી છે. આ અંગે પગલા લેવામાં નહી આવે તો ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી રજૂઆત કરવાની ફરજ પડશે તેમ જણાવ્યુ છે.

