ચોટીલા તાલુકામાં ગાજવીજ સાથે અડધોથી એક ઇંચ વરસાદ
- ખેડૂતોએ વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાતા ખરીફ પાક સૂકાવા લાગ્યો હતો
- મેઘસવારીથી પાકને જીવતદાન મળ્યું : પીપળીયાની નદી બે કાંઠે વહેતા ગામ સંપર્ક વિહોણું બન્યું : વીજળી પડતા ત્રણ પશુનાં મોત થયા
ચોટીલા, તા. 30 જૂન 2020, મંગળવાર
આજે બપોરનાં ચોટીલા પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે અડધાથી એક ઇંચ વરસાદ વરસતા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં રાહતની લાગણી ફેલાઈ છે. જો કે વીજળી પડવાથી ત્રણ પશુનાં મોત નિપજ્યા હતાં.
અસહ્ય ગરમીનાં ઉકળાટ વચ્ચે મંગળવારના બપોરના ૧૧.૩૦નાં અરસામાં વીજળીના કડાકા ભડાકા સાથે ચોટીલા પંથકમાં ધોધમાર વરસાદ વરસેલ હતો. વરસાદને કારણે શહેરમાં પાણીનાં પુર ચાલ્યા ગયા હતા. શહેરની સરખામણીમાં સણોસરા ઉપરનાં અને ઠાંગા વિસ્તારના ગામડાઓમાં સારા પ્રમાણમાં વરસતા સણોસરા અને પિપળીયા ધાધલ ગામની નદીમાં પુર આવતા નદી બે કાંઠે વહેતી થયેલ હતી. પિપળીયા ગામે છેલ્લા પાંચ વર્ષથી ઘર કરી ગયેલ નદી ઉપરના તુટેલા કોઝવેને કારણે લોકોનો ચોટીલા આવવાનો સંપર્ક ખોરવાયો હતો. આ ગામની છેલ્લા પાંચ વર્ષથી તુટેલા કોઝવેના સ્થાને બોક્સવાળા પુલની માંગ સરકાર સમક્ષ છે પરંતુ કોઈ કારણોસર આ કાયમી સમસ્યા ઘર કરી ગયેલ છે. લોકોમાં તંત્ર સામે રોષ છવાયેલ છે કે વરસાદ આવે એટલે આ ગામનાં લોકો કાયમ માટે પાણી ના ઓસરે ત્યાં સુધી સંપર્ક વિહોણા બની જાય છે.
ખેરાણા અને ખેરડી ગામે વીજળી પડવાના બે બનાવ બનેલ છે જેમાં ખેરાણા ગામે ખેડૂત પશુપાલક ગાબુ વલ્લભભાઈ નારાયણભાઈની બે ભેંસ અને ખેરડીની ગામની સીમમાં કાળાસરના લગધીરભાઈ હરદાસભાઈ ખટાણાનો બળદ ૧ના મોત નિપજેલ હતા. સ્થાનિક તંત્રએ પશુ મૃત્યુ અંગે જરૃરી કાર્યવાહી હાથ ધરેલ છે.
વરસાદ પડવાથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાયેલ છે. ચોટીલા ફ્લડ કંટ્રોલમાં આજનો વરસાદ ૧૦મીમી મળી મોસમનો કુલ ૧૨૨ મીમી વરસાદ નોંધાયેલ છે.