વઢવાણમાં કોરોનાગ્રસ્ત કોંગી આગેવાનના સ્વાસ્થ્ય માટે ગાયત્રી યજ્ઞ યોજાયો
- શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભરતસિંહ સોલંકી ઝડપથી કોરોનાથી સાજા થાય તે માટે પ્રાર્થના કરાઇ
સુરેન્દ્રનગર, તા. 12 જુલાઇ 2020, રવિવાર
સમગ્ર દેશ સાથે રાજ્યમાં કોરોના વાયરસે અજગરી ભરડો લીધો છે ત્યારે રાજકીય આગેવાનો નેતાઓ સહિત હોદ્દેદારો પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી રહ્યાં છે.
જેમાં ગુજરાત કોંગ્રેસના સીનીયર નેતા ભરતસિંહ સોલંકી પણ કોરોના વાયરસનો ભોગ બન્યાં છે અને હાલ સારવાર હેઠળ છે ત્યારે વઢવાણ ખાતે શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખની અધ્યક્ષતામાં તેઓની તંદુરસ્તી અને સ્વાસ્થય માટે ગાયત્રી મંત્રનો જાપ તેમજ પ્રાર્થના કરવામાં આવી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સીનીયર નેતા ભરતસિંહ સોલંકીને પણ કોરોના આવતાં હાલ હોસ્પીટલમાં સારવાર લઈ રહ્યાં છે.
ત્યારે તેઓ ઝડપથી તંદુરસ્તી પ્રાપ્ત કરે અને સ્વાસ્થય મળે તે માટે શહેરી કોંગ્રેસ સમિતિ દ્વારા વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં ભુદેવો દ્વારા ગાયત્રી મંત્રનો જાપ કરી હવનમાં નાળીયેર હોમી પ્રાર્થના કરવામાં આવી હતી. આ તકે શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ગિરિરાજસિંહ ઝાલા, મોહનભાઈ પટેલ, કાંતીભાઈ ટમાલીયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ પટેલ, મહિલા કોંગ્રેસ પ્રમુખ ઈલાબા ઝાલા, પ્રદયુમનસિંહ પરમાર, વિક્રમભાઈ દવે, નિલેશભાઈ વાઘેલા સહિતના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.