સાયલામાં ઘર પાસે ગાળો બોલવા બાબતે પાંચ શખ્સોએ હુમલો કર્યો
- ગાળો બોલી પાઇપથી ઇજા પહોંચાડતા મહિલા સહિત પાંચ સામે ફરિયાદ
સાયલા, તા. 29 જુલાઇ 2020, બુધવાર
સુરેન્દ્રનગર જિલ્લાના નજીવી બાબતે મારામારી અને અથડામણના બનાવો વધી રહ્યાં છે ત્યારે સાયલા ખાતે નજીવી બાબતે એક શખ્સને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી અંગે પાંચ શખ્સો સામે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાયલા ખાતે રહેતાં ફરિયાદી હરદેવભાઈ ફુલસીંગભાઈ કુશવાહ પોતાના ઘેર પત્ની તથા પુત્રને ઉંચા અવાજે મોબાઈલ ફોન વિશે પુછપરછ કરી રહ્યાં હતાં. તે દરમ્યાન પાડોશમાં જ રહેતાં રીન્કીબેન કુશવાહે છોકરાઓ જાગી જશે તેમ જણાવી મોટાઅવાજે નહિં બોલવાનું જણાવી ફરિયાદીને લાકડી વડે ડાબા હાથે ઘા ઝીંક્યો હતો અને ત્યારબાદ ફરિયાદી પોતાના પાણીપુરીના ધંધે જતો હતો. તે દરમ્યાન ફરી આકાશભાઈ કુશવાહે સાયલા સર્કલ પાસે જઈને ફરિયાદીને ઘર પાસે લઈ જઈ અન્ય ત્રણ થી ચાર આરોપીઓએ એકસંપ થઈ ગાળો આપી લોખંડના પાઈપ વડે ઘા ઝીંકી ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ રીન્કીબેન આકાશભાઈ, આકાશભાઈ કુશવાહ, પાતાળભાઈ કુશવાહ, પૃથ્વીભાઈ કુશવાહ, મોહિતભાઈ કુશવાહ સહિત પાંચ શખ્સોને ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.