બાવળાના કેરાલા ગામે ગ્રામ પંચાયતના કામના ચેક બાબતે મારામારી : 10 સામે ફરિયાદ
- ગ્રામ પંચાયતના અનુ. જાતિના મહિલા સદસ્ય અને પુત્રોને જાતિ પ્રત્યે અપમાનિત કરી માર મારવામાં આવ્યો
બગોદરા, તા. 14 જુન 2020, રવિવાર
અમદાવાદ જિલ્લામાં કોરોના વાયરસની મહામારી દરમ્યાન પણ મારામારી અને જુથ અથડામણના બનાવો વધી રહ્યાં છે ત્યારે બાવળા તાલુકાના કેરાલા ગામે ગ્રામ પંચાયતની કામગીરીના ચેક બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જે અંગે બંન્ને પક્ષો દ્વારા સામસામે બાવળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બાવળા તાલુકાના કેરાલા ગામે રહેતાં અને ગ્રામ પંચાયતના સદસ્ય ફરિયાદી રમીલાબેન ચંદ્રકાન્તભાઈ મહેરીયા રહે. કેરાલા તા.બાવળાવાળા તથા તેમનો પુત્ર સુરજ સહિતનાઓએ ગામમાં જ રહેતાં અમીતભાઈ સાગરભાઈ કો.પટેલના ઘરે ગ્રામ પંચાયતના કરેલ કામોના બીલ અંગેના ચેક લેવા માટે ગયાં હતાં તે દરમ્યાન અમીતભાઈએ ફરિયાદી મહિલા સહિત તેમનાં પુત્રને જાતિ અપમાનીત શબ્દો બોલી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી તેમજ પુત્રને ફડાકાઓ ઝીંકી માર માર્યો હતો તેમજ અન્ય શખ્સ રાજુભાઈ ચમનભાઈ પટેલે પણ ગ્રામ પંચાયતની ઓફીસે ફરિયાદી સહિત તેમનાં બંન્ને પુત્રોને જાતિ અપમાનીત શબ્દો વાપરી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને અન્ય પાંચ જેટલાં શખ્સોએ લાકડીઓ અને ધારીયા વડે માર માર્યો હતો.
જે અંગે ફરિયાદીએ સાત શખ્સો અમીતભાઈ સાગરભાઈ કો.પટેલ, રાજુભાઈ ચમનભાઈ પટેલ, જશવંતભાઈ મેરાભાઈ પટેલ, રાજુભાઈ મોહનભાઈ કો.પટેલ, અંકિત ધર્મેશભાઈ કો.પટેલ, કિરણ રમેશભાઈ કો.પટેલ, સંજય ભાણો કો.પટેલ તમામ રહે.કેરાલા તા.બાવળાવાળા સહિત સાત શખ્સો સામે બાવળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામાપક્ષે ગુલાબબેન અમીતભાઈ મેરે પણ ત્રણ શખ્સો પંકજભાઈ ચંદ્રકાન્તભાઈ મહેરીયા, રમીલાબેન ચંદ્રકાન્તભાઈ મહેરીયા અને સુરજ ચંદ્રકાન્તભાઈ મહેરીયા તમામ રહે.કેરાલા તા.બાવળાવાળા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.