સાણંદમાં ડાયપર કંપની યુનિચાર્મમાં ભીષણ આગ
- જીઆઈડીસીમાં ભારતની સૌથી મોટી જાપાનીઝ કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી
સાણંદ, તા. 24 જૂન 2020, બુધવાર
સાણંદ જીઆઈડીસીમાં આવેલી ભારતની સૌથી મોટી ડાયપર બનાવતી કંપની યુનિચાર્મમાં આજે સવારે આગ ભભૂકી હતી. જોકે આગે જોત જોતામાં વિકરાળ સ્વરૃપ ધારણ કરતા ભારે અફડાતફડી સર્જાઈ હતી. આગ બુઝાવવા ૩૦થી વધુ ફાયર ફાયટરોની જહેમત છતાં આ લખાય છે ત્યાં સુધી આગ પર કાબૂ મેળવાયો ન હતો. સાણંદ જીઆઈડીસીમાં આવેલી જાપાનીઝ ડાયપર બનાવતી યુનિચાર્મ કંપનીમાં આજે સવારે કોઈ કારણોસર એકાએક આગ લાગતા ભારે દોડધામ મચી હતી. જોકે ફેક્ટરીમાં રૃ અને કાપડનો સામાન વધારે હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૃપ ધારણ કરી લીધું હતું. અને સાણંદ સિહત આસપાસના ૩૦થી વધુ ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી હતી. પરંતુ સાંજ સુધી આગ પર પુરેપુરો કાબુ મેળવાયો ન હતો.
૩૦થી વધુ ફાયર ફાઈટરોની જહેમત છતાં સવારથી લાગેલી આગ પર સાંજ સુધી કાબૂ મેળવાયો ન હતો ઃ આગના કારણે કોઈ જાનહાનિ નહીં
સૂત્રોના જણાવ્યા અનુસાર ડાયપર કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. પરંતુ કોઈ જાનહાનિ થવા પામી નથી. આગ બુઝાવવા માટે સ્થાનિક કક્ષાએ પાણી ખુટી પડતા અમદાવાદથી મંગાવવું પડે તેવી સ્થિતિ નિર્માણ પામી હતી.
સાણંદ જીઆઈડીસીમાં આવેલ જાપાનીઝ ડાયપર કંપનીમાં આજે સવારે ૯ વાગ્યા આસપાસ અચાનક આગ લાગી હતી. આગે એટલું રૃદ્ર સ્વરૃપ ધારણ કરેલું કે સાણંદ આસપાસના ફાયર સ્ટેશનની મદદ માગવી પડી હતી અને બહારથી ૩૦ જેટલા ફાયર ફાઈટરો બોલાવવા પડયા છે અને ૧૨૫ જણનો સ્ટાફ આગ ઓલાવવામાં લાગેલો છે. દોઢ લાખ ક્યુસેક પાણીના મારો કરવા છતાં આગ કાબુમાં આવી નથી.
જોકે કોઈ જાનહાની થઈ નથી પણ લાખો રૃપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો છે. સાણંદ ડિવિઝન ડીવાયએસપી કામરિયા, સાણંદ પ્રાંત અધિકારી, આરોગ્ય ટીમ, મામલતદાર અધિકારી સાણંદના એમએલએ કનુભાઈ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.
બે મોટી જીઆઈડીસી છતાં ફાયરની સુવિધાનો અભાવ
સાણંદ જીઆઈડીસીમાં ઘણીવાર ફાયર સ્ટેશનની માંગણી કરવામાં આવેલ છે પણ હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. સાણંદ તાલુકામાં બે મોટી જીઆઈડીસી આવેલી છે. બોળ અને ચાંગોદરમાં તો પણ હજી સુધી ફાયર સ્ટેશન ફાળવવામાં આવેલ નથી.
તેલાવ પાસેનું ફાયર સ્ટેશન ડચકાં ખાય છે
સરકાર દ્વારા એવો બચાવ કરવામાં આવે છે કે સાણંદ નગરપાલિકામાં ફાયર સ્ટેશન ફાળવાયા છે પણ તે સાણંદ શહેરથી દૂર તેલાવ ગામ પાસે છે જે ચાલુ હાલતમાં નથી અને નગરપાલિકા પાસે ત્રણ ફાયર ફાઈટર છે જેમાંથી બે જ ચાલુ હાલતમાં છે અને સ્ટાફમાં બે ફાયર મેન છે.