બાવળામાં રખડતા ઢોરના ત્રાસ અંગે ઉકેલ ન આવતા પ્રતીક ઉપવાસ
- જોકે પાલિકાએ ૧૦ દિવસમાં ઉકેલ લાવવાની ખાતરી આપતા આંદોલન મોકૂફ રખાયું
બગોદરા, તા.16 જૂન 2020, મંગળવાર
અમદાવાદ જિલ્લાના બાવળા શહેર તેમજ હાઈવે પર દિન-પ્રતિદિન રખડતાં ઢોરો અને આખલાઓના ત્રાસ અંગે પાલિકા તંત્રને સ્થાનિક રહિશ સહિત સામાજીક સંગઠનો દ્વારા લેખીત અને મૌખિક રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં બાવળા નગરપાલિકા સામે સરકારની ગાઈડલાઈન મુજબ પ્રતિક ઉપવાસનો પ્રારંભ કર્યો હતો.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બાવળા શહેરી વિસ્તાર સહિત મુખ્યમાર્ગો અને હાઈવે પર રખડતાં પશુઓને કારણે વાહનચાલકો સહિત રાહદારીઓને હાલાકી પડી રહી છે તેમજ અગાઉ પણ અનેક વખત પશુઓને અડફેટે લેતાં ઈજાઓ તેમજ એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે જ્યારે આ અંગે સામાજીક સંસ્થાઓ સહિત શહેરનાં જાગૃત નાગરિક દ્વારા અનેક વખત મૌખિક તેમજ લેખીત પાલિકા તંત્રને રજુઆતો કરવામાં આવી હતી તેમ છતાંય કોઈ જ ઉકેલ ન આવતાં સ્થાનિક રહિશ મયુરધ્વજસિંહ ડાભી, અખીલ વિશ્વ ગૌસંવર્ધન ગુજરાતના પ્રમુખ રણછોડભાઈ અલગોતર, અતુલભાઈ ઠાકોર, દાદનભાઈ વ્હોરા સહિતનાઓએ બાવળા પાલિકા સામે પ્રતિક ઉપવાસ શરૃ કર્યા હતાં. જેને બાવળાની જનતાનો સારો પ્રતિસાદ મળ્યો હતો અને જેના ભાગરૃપે તંત્ર દ્વારા આગામી ૧૦ દિવસમાં પશુ પકવાનું પીંજરૃ મુકી યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપતાં પ્રતિક ઉપવાસનો અંત આવ્યો હતો.