મુળી તાલુકામાં પાક વિમાનું વ્યાપક કૌભાંડ થયાનો ખેડૂત એકતા પંચનો આક્ષેપ
- ૬૮.૮૯ ટકા પાક વિમાને બદલે ૧૧ ટકા જ ચુકવાયો, હેક્ટર દીઠ રૂા. ૪૬,૩૧૨ વિમા કંપનીઓ હડપ કરી ગઇ
સુરેન્દ્રનગર, તા. 1 ઓગસ્ટ, 2020, શનિવાર
સમગ્ર રાજ્યમાં એક પછી એક ભાજપ સરકારના અનેક કૌભાંડો બહાર આવી રહ્યાં છે ત્યારે કોરોના બાદ વધુ એક પાકવિમાનું કૌભાંડ બહાર આવતાં સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં મોટાપાયે પાકવિમાનું કૌભાંડ થયું હોવાનો આક્ષેપ ખેડુત એકતા મંચ દ્વારા કરવામાં આવ્યો હતો.
જેમાં ખેડુત એકતા મંચના સાગરભાઈ રબારી સહિતનાઓએ પત્રકાર પરિષદ યોજી આ અંગે આધાર પુરાવા સહિત માહિતી આપી હતી. જેમાં સરકાર અને વિમા કંપનીઓ દ્વારા ૧૪.૨૦% વિમો જાહેર કરવામાં આવ્યો હતો અને ખેડુતોને પ્રતિ હેકટર રૂા.૧૨,૦૭૦ પાકવિમો આપવામાં આવ્યો હતો. જો કે ખેડુતોને ૮૯.૮૭% પાકવિમો મળવાપાત્ર થતો હતો પરંતુ પાકવિમામાં ૭૫.૬૭% રકમનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને હેકટર દીઠ ખેડુતોના હક્કના રૂા.૬૪,૩૨૭ વિમા કંપનીઓ હડપ કરી ગઈ હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે મુળી તાલુકામાં નિયમ મુજબ ૬૮.૮૯% પાકવિમો મળવાપાત્ર હતો પરંતુ સરકારે નિયમોનું ઉલંધ્ધન કરી માત્ર ૧૧% જ પાકવિમો જાહેર કર્યો હતો જેમાં ખેડુતોને હેકટર દીઠ રૂા.૫૫,૧૧૨ મળવાપાત્ર હતાં પરંતુ તેની સામે ખેડુતોને પ્રતિ હેકટર રૂા.૮,૮૦૦ પાકવિમો ચુકવવામાં આવ્યો હતો. એટલે કે હેકટર દીઠ રૂા.૪૬,૩૧૨ જેટલી રકમ ભાજપ સરકારની મીલીભગતથી વિમાકંપનીઓ ચાઉં કરી ગઈ હોવાનો ખેડુત એકતા મંચે આક્ષેપ કર્યો છે. તેમજ આ સમગ્ર કૌભાંડમાં મોટામાથા તેમજ રાજકીય આગેવાનોની સંડોવણી હોવાનું જણાવી જવાબદારો સમે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી હતી તેમજ જિલ્લાના પણ અંદાજે રૂા.૫૫૦ કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ તકે ખેડુત એકતા મંચના સાગરભાઈ રબારી, રતનસિંહ ડોડીયા, રાજુભાઈ કરપડા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતાં.