કરકથલ સેવા સહકારી મંડળીના હોદ્દેદારો દ્વારા રૂપિયા 2.64 કરોડની ઉચાપત
- ચેરમેન-સેક્રેટરી સહિત બધાએ ૧૯૯૭થી ૨૦૦૧ દરમ્યાન ખોટા પુરાવા રજૂ કરી બેન્કમાંથી નાણાં ઉપાડી કૌભાંડ આચર્યું
વિરમગામ, તા.24 જૂન 2020, બુધવાર
વિરમગામ તાલુકાની ઉત્તર વિભાગ કરકથલ સેવા સહકારી મંડળી લિ.ના હોદ્દેદારો અને સભ્યો દ્વારા રૃા. ૨,૬૪,૮૨,૮૦૭ની ઉંચાપત કરાઈ હોવાની ૧૧ વ્યક્તિ સામે વિરમગામ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.
આ સહકારી મંડળીના ચેરમેન, સેક્રેટરી તથા સભ્યો દ્વારા ૧૯૯૭ થી ૨૦૦૧ દરમ્યાન સત્તાનો દુરૃપયોગ કરી મંડળીના નામે એ.ડી.સી. બેન્કમાં બનાવટી માંગણા પત્રકો રજૂ કરી બેન્ક પાસેથી રૃા. ૭૫ લાખનું ધિરાણ લેવાયું હતું અને મંડળીના રેકર્ડ પર ખોટો રોજમેળ બનાવી, અસ્તિત્વ વગરની પેઢીઓના નામે વેચાણ દર્શાવી તથા ખોટા દસ્તાવેજો રજૂ કરી નાણાં મેળવ્યા હતા.
આ ઉપરાંત બેન્કમાં ચડત વ્યાજ સાથે ભરવાના થતા રૃા. ૨,૬૪,૮૨,૮૦૭ આજદિન સુધી જમા ન કરાવી ગુનાઈત કૃત્ય કરી મંડળી અને બેન્કને આર્થિક નુકસાન કર્યું છે.
આ કૌભાંડમાં વિઠ્ઠલભાઈ કાનજીભાઈ ઝાલા, પ્રભુદાસ બાબુલાલ પ્રજાપતિ, કેસરીસંગ જાલમસંગ ઝાલા, ગુલાબસંગ નારૃભા ઝાલા, હલુજી મણાજી ઠાકોર, અંબારામ લક્ષ્મણભાઈ ઠાકોર, કાળુભાઈ બીજલભાઈ પ્રજાપતિ, શિવાભાઈ પુંજાભાઈ પરમાર તથા રતનબેન હલુજી ઠાકોર વિરૃદ્ધ ચિત્તરંજન ગુરુ રાધાકૃષ્ણદાસજી (રામજી મંદિર, કરકથલ) એ વિરમગામ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.