સુરેન્દ્રનગર, તા.26 જૂન 2020, શુક્રવાર
સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના વાયરસના પોઝીટીવ કેસો વધી રહ્યાં છે અને જિલ્લામાં દરરોજ ચાર થી પાંચ કોરોના પોઝીટીવ કેસો નોંધાઈ રહ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં વધુ ચાર કોરોના પોઝીટીવ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો જ્યારે આરોગ્ય તંત્રએ કોરોના પોઝીટીવ દર્દીઓના રહેણાંક વિસ્તારોમાં જઈ વધુ તપાસ હાથધરી હતી.
સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ લખતર તાલુકામાં વધુ ચાર કોરોના પોઝીટીવ કેસો નોંધાયા હતાં. જેમાં સુરેન્દ્રનગર શહેરના નવા જંકશન વિસ્તારમાં આવેલ વિવેકાનંદ-૨ સોસાયટીમાં રહેતાં ૨૫ વર્ષના યુવક, વઢવાણ ૬૦ ફુટ રોડ પર આવેલ અલ્કાપુરી ચોકમાં રહેતી ૨૨ વર્ષની યુવતી, વઢવાણ હાડીમા રોડ પર રહેતાં ૭૪ વર્ષના વૃધ્ધ અને લખતર તાલુકાના તલસાણા ગામે રહેતી ૧૯ વર્ષની યુવતી સહિત ચાર વ્યક્તિઓને કોરોના પોઝીટીવ આવતાં સારવાર અર્થે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે આ સાથે જિલ્લામાં કોરોનાનો કુલ પોઝીટીવ આંક-૧૧૫ ઉપર પહોંચ્યો હતો જ્યારે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વધુ ચાર કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં આરોગ્ય વિભાગની ટીમ કોરોના પોઝીટીવ દર્દીના રહેણાંક વિસ્તારોમાં આવી પહોંચી હતી અને આસપાસના વિસ્તારોને કન્ટેઈમેન્ટ ઝોન, બફર ઝોન જાહેર કર્યા હતાં તેમજ કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલ લોકોને ક્વોરન્ટાઈન કરી સેનેટાઈઝેશનની કામગીરી હાથધરી હતી.


