Get The App

લખતરના અણીયારી ગામથી રેશનિંગનો જથ્થો વગે થતો હોવાની ચર્ચા જાગી

- ખેડૂત આગેવાને પોલીસને સાથે રાખી વાહનનો પીછો કરી જથ્થો વગે થતો અટકાવ્યો હોવાની ચર્ચા

Updated: Jun 13th, 2020

GS TEAM

Google News
Google News
લખતરના અણીયારી ગામથી રેશનિંગનો જથ્થો વગે થતો હોવાની ચર્ચા જાગી 1 - image


સુરેન્દ્રનગર, તા. 13 જુન 2020, શનિવાર

રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ પર ગરીબ અને જરૃરીયાતમંદ તેમજ મધ્યમવર્ગના પરિવારોને માસીક મળવાપાત્ર અનાજના જથ્થાનું વિતરણ કરવામાં આવે છે ત્યારે અમુક રેશનીંગ દુકાદારો દ્વારા રેશનકાર્ડ પર અનાજ આપવાને બદલે બારોબાર અનાજના જથ્થાને સગેવગે કરી વેચતાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

 ત્યારે લખતર તાલુકાના અણીયારી ગામનાં સસ્તા અનાજના દુકાનદાર દ્વારા ગેરકાયદેસર રીતે રેશનીંગનો જથ્થો વિરમગામ તરફ મોકલવામાં આવતો હોવાના આક્ષેપ સાથે ખેડુત આગેવાને પોલીસને સાથે રાખી પીછો કરી અનાજનો જથ્થો ઝડપી પાડયો હતો અને આ અંગે જવાબદાર તંત્રને જાણ કરી હતી.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ લખતર તાલુકાના અણીયારી ગામે રાશનીંગની દુકાન ધરાવતાં દુકાનદાર દ્વારા રેશનકાર્ડધારકોને મળવાપાત્ર અનાજના જથ્થાને બારોબાર સગેવગે કરી સરકારી થેલીઓમાંથી અન્ય થેલીઓમાં ભરી વિરમગામ તરફ વેચાણ કરવા લઈ જતાં હોવાની  ચર્ચાઓના આધારે ખેડુત આગેવાનોએ ચેકીંગ હાથધર્યું હતું અને અણીયારી ગામેથી અનાજનો જથ્થો ભરેલ ગાડીનો પોલીસને સાથે રાખી પીછો કર્યો હતો અને કાર સહિત શખ્સોને ઝડપી પાડી જવાબદાર તંત્રને જાણ કરી હતી. જ્યારે લોકોને રેશનકાર્ડ પર મળવાપાત્ર અનાજનો જથ્થો બારોબાર વેચવામાં આવતો હોવાનું ધ્યાને આવતાં રેશનકાર્ડધારકોમાં રોષ જોવા મળ્યો હતો.

 જ્યારે લોકમુખે થતી ચર્ચા મુજબ રેશનીંગ દુકાનદાર રાજકીય આગેવાનની નજીક અને ઓળખ ધરાવતાં હોવાનું બહાર આવયું હતું. જોકે ઝડપાયેલ અનાજનો જથ્થો ક્યાં અને કોના ઈસારે લઈ જવામાં આવી રહ્યો હતો તે અંગે કોઈ જ પુષ્ટી થવાં પામી નહોતી અને તંત્રએ વધુ તપાસ હાથધરી હતી.

Tags :