વિરમગામમાં 1 ઈંચ વરસાદમાં જ ઠેરઠેર પાણી ભરાતા પ્રિ-મોન્સુન પ્લાનના ધજાગરા
- માંડલ, દેત્રોજ સહિતના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ
- ભરવાડી દરવાજા, સરદાર પટેલ શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાતા લોકોને હાલાકી
અમદાવાદ, વિરમગામ,તા. 14 જુન 2020, રવિવાર
વિરમગામ, દેત્રોજ, માંડલ સહિતના વિસ્તારોમાં વહેલી પરોઢે સરેરાશ એક ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. જેમાં વિરમગામ શહેરમાં એક ઈંચ વરસાદમાં ઠેરઠેર ગોઠણસમા પાણી ભરાતા પાલિકા તંત્રનો પ્રિમોન્સુન પ્લાનના સરેઆમ ધજાગરા ઊડયા હતા.
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા રવિવારથી સત્તાવાર ચોમાસાની જાહેરાત કરાઇ હતી જેમાં રવિવારે વહેલી સવારથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. અમદાવાદ જિલ્લાના વિરમગામ, મંડલ, દેત્રોજ સહિત નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. સતત પડેલા વરસાદ ૧ ઈંચ વરસાદ નોંધાયો હતો જેને લઇને વિરમગામ શહેરની વિવિધ જગ્યાઓએ ભરવાડી દરવાજા ગોલવાડી દરવાજા નાના-મોટા પરકોટા સરકારી હોસ્પિટલ સરદાર પટેલ શાક માર્કેટ સહિત રહેણાંક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. વિરમગામ નગરપાલિકા દ્વારા દર વર્ષે વરસાદી પાણી ભરાય નહીં અને વરસાદી પાણી નિકાલ માટે પ્રિમોન્સુન પ્લાનની તૈયારી કરતી હોય છે. પરંતુ વિરમગામ ભાજપ શાસિત નગરપાલિકામાં દર વર્ષની માફક પ્રિમોન્સુન પ્લાનની કામગીરી માત્ર કાગળ પર પૂર્ણ કરી દેવાય છે. આ વર્ષે પણ ચોમાસા પૂર્વે કરવામાં આવતી કામગીરી શરૃ જ નથી કરવામાં આવી જેને લઇને ૧ ઈંચ વરસાદે શહેરના મોટા ભાગના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.
વિરમગામમાં પ્રિ-મોન્સુનની કામગીરીના ભાગરૃપે સફાઇ ક્યારે હાથ ધરાશે ? શું પાલિકાને ટેક્સ વસૂલવામાં જ રસ છે. આ તો કેવી નફ્ફટાઇ ? બેશરમ તંત્રને માત્ર લેશમાત્ર ફિકર ચિંતા નથી. તંત્રના પાપે નાગરિકોને સજા શહેરમાં નાગરિકો પરેશાન લોકોના ટેક્ષના નાણાં જાય છે ક્યાં ? તેવા સવાલો ઊઠયા છે.