જિલ્લાના ત્રણ ગ્રામ્ય વિસ્તારોમાં મહિલા સહિત 3 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ
- કોરોના વાઇરસે ઝાલાવાડમાં ઠેરઠેર અડિંગો જમાવ્યો
- પાટડીના જૈનાબાદની ૨૬ વર્ષીય યુવતી, પાટડી શહેરનો ૧૮ વર્ષનો યુવક અને ચુડાનો ૫૦ વર્ષીય શખ્સ કોરોનાનો ભોગ બન્યા
સુરેન્દ્રનગર, પાટડી, લીંબડી, તા.20 જૂન 2020, શનિવાર
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે અને દિન-પ્રતિદિન કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના વાયરસે કહેર મચાવ્યો છે અને રોજ અંદાજે ચાર થી પાંચ કોરોના પોઝીટીવ કેસો નોંધાઈ રહ્યાં છે ત્યારે જિલ્લામાં વધુ ત્રણ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા હતાં જેમાં પાટડી તાલુકામાં બે અને ચુડા તાલુકામાં એક કેસનો સમાવેશ થાય છે.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસો ખુબ જ ઝડપથી વધી રહ્યાં છે જેમાં રાજ્યભરમાં કોરોના વાયરસના કેસો ૨૬ હજારને પાર થઈ ચુક્યાં છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે જેમાં સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોંધાઈ રહ્યાં છે ત્યારે જિલ્લામાં વધુ ત્રણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં. જેમાં પાટડી તાલુકાના જૈનાબાદ ખાતે રહેતી મહિલા શબનમબેન ફારૃકભાઈ સૈયદ ઉ.વ.૨૬ તથા મયુરભાઈ મહેશભાઈ શુક્લ ઉ.વ.૧૮ રહે.ભાટવાસ પાટડીને કોરોના પોઝીટીવ આવ્યો હતો. આ ઉપરાંત ચુડા શહેરના વાદીપરા વિસ્તારમાં રહેતાં આઘેડ દલસુખભાઈ ત્રીભોવનભાઈ લકુમને પણ કોરોના પોઝીટીવ આવ્યો હતો આમ વધુ ત્રણ કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અને આ સાથે જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક ૯૩ ઉપર પહોંચ્યો હતો.
જ્યારે આરોગ્ય વિભાગે કોરોના પોઝીટીવ દર્દીઓના રહેણાંક વિસ્તારોમાં જઈ કન્ટેઈનમેન્ટ ઝોન, બફર ઝોન જાહેર કરી સંપર્કમાં આવેલ લોકોના આરોગ્યનું સ્ક્રીનીંગ અને ક્વોરન્ટાઈન તેમજ સેનેટાઈઝેશનની કામગીરી હાથધરી હતી. જેમાં પાટડી ખાતે ૧૬ ઘરોમાં ૪૬ લોકોને કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર કર્યો હતો જ્યારે ૧૪૧ ઘરો અને ૫૭૨ લોકોનો બફર ઝોનમાં સમાવેશ કર્યો હતો જ્યારે જૈનાબાદના ૧૦ ઘરોના ૪૪ લોકો અને ૪૫૬ ઘરોમાં ૧૯૫૭ લોકોને બફર ઝોનમાં સમાવેશ કર્યો હતો અને મામલતદાર કે.એસ.પટેલ, પીએચઓ ડો.રાજકુમાર તથા આરોગ્યની ટીમ, પાટડી નગરપાલિકા ટીમ, પોલીસ સ્ટાફ, આ વિસ્તારમાં પહોંચી ગયાં હતાં અને સમગ્ર વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવ્યો હતો તેમજ સર્વેલન્સની કામગીરી હાથધરાઈ હતી. આ સાથે પાટડી શહેરમાં કુલ ૭ અને તાલુકામાં કુલ ૧૦ મળી ૧૭ કેસો નોંધાતા હવે પાટડી તાલુકાની પ્રજાએ સાવચેત રહેવાની જરૃર છે.