ચોટીલામાં કોરોનાનો ઉપદ્રવ યથાવત શહેરમાં એક સહિત તાલુકામાં 4 કેસ
- તંત્ર દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં સેનેટાઈઝેશન કરાયું
- રામપરાની બે બહેનો, પીપળીયાનો મૂકબધિર કિશોર તેમજ શહેરમાં મંદિર પાસે દુકાન ધરાવતા મહારાજા કોરોનામાં સપડાયા
ચોટીલા, તા. 28 જુલાઇ 2020, મંગળવાર
ચોટીલા તાલુકાના પાંચ ગામોમાં એક જ દિવસમાં ૧૮ કોરોના પોઝિટિવ આવતા ગામડાઓમાં કોરોનાનો અજગરી ભરડો હોવાનું ફલીત થયેલ છે ત્યારે આરોગ્ય વિભાગ અને જીલ્લા અને સ્થાનિક તંત્ર હરકતમાં આવી ગયેલ છે.
જાણવા મળતી વિગત મુજબ ચોટીલા થાનગઢ રોડ ઉપર સુખનાથ મહાદેવ મંદિર નજીક મકાન અને દુકાન ધરાવતા પપ વર્ષનાં મારાજ (સાધુ) પુરૂષને કોરોના પોઝિટિવ આવતા સારવાર માટે રાજકોટ રીફર કરેલ છે જ્યારે ગામડામાં વધુ ત્રણ કેસ આવેલ છે જેમા રામપરા(ચોબારીમાં) બે બહેનો અને છેવાડાના પીપળીયા (ઢોરામાં) એક મુકબધિર ૧૭ વર્ષનાં કિશોરને કોરોનાએ ઝપટમાં લેતા આરોગ્ય સહિતનું તંત્ર દોડી ગયેલ છે.
શહેરમાં દર્દી પરિવારનાં મકાનને સેનીટાઈઝર કરી આસપાસના વિસ્તારને બફર કન્ટેન્મેન્ટ ઝોન કરવા તંત્ર એ પગલા લીધા હતા.
ગામડાંનાં ત્રણેય દર્દી નોન સીમટન્સ હોવાથી તેઓને તેમના ઘરે જ મેડીકલ કીટ આપી હોમ આઇસોલેટ કરવામાં આવેલ છે તેમજ નજીકનાં વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન કરવા સહિતની કામગીરી હાથ ધરેલ છે.
ચોટીલા શહેરમાં કોરોના પોઝેટીવનો આંક છ ઉપર અને ગ્રામ્યમાં ૨૧ ઉપર પોહચેલ છે ત્યારે વધતા જતા ભરડાને ડામવા માટે તંત્રએ ગ્રામ્ય કક્ષાએ કેટલાક કડક પગલા ભરવા પડશે તેવું જણાય છે.
વિસ્તારનાં ગામડાઓમાં સારા માઠા પ્રસંગો અને પછીનાં વ્યવહારીક પ્રસંગોએ થતા જમણવારમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય છે જે સમગ્ર તાલુકા માટે જોખમી સાબિત થઈ શકે તેમ છે. સામાજીક આગેવાનો અને તંત્રએ સહિયારો પ્રયાસ કરી કોરોના અંગે ગ્રામ્ય પ્રજાને જાગૃત કરવાની જરૂર છે તેમજ સોશ્યલ ડીસ્ટન્સ, માસ્ક સહિતનાં કાયદાનું કડક પાલન કરવવાની જરૂર છે.