Get The App

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વિસ્ફોટ : વધુ 9 કેસ

- અનલોક-૧માં કોરોનાનો પ્રકોપ વધ્યો : ગ્રામ્ય વિસ્તારોમાં પણ દર્દીઓ વધતાં જિલ્લામાં પોઝિટિવ કેસ સંખ્યા 75 થઇ

- જોરાવરનગરનાં તબીબ સહિત પરિવારના ચાર સભ્યોને કોરોના : દાળમીલ રોડ પર રહેતા તબીબ સહિત પાટડી તાલુકામાં ત્રણ અને લીંબડીમાં મહિલા કોરોનાની ઝપટે

Updated: Jun 14th, 2020

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વિસ્ફોટ : વધુ 9 કેસ 1 - image


સુરેન્દ્રનગર, પાટડી, લીંબડી, તા.૧૪ જૂન 2020, રવિવાર

સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે અને દિન-પ્રતિદિન શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં એક દિવસમાં વધુ ૯ કોરોના પોઝીટીવ કેસો નોંધાતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અને આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી હતી.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર સહિત લીંબડી અને પાટડી તાલુકા સહિતના વિસ્તારોમાં એક સાથે વધુ ૭ કોરોના પોઝીટીવ કેસો નોંધાતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. જેમાં જોરાવરનગર ખાતે રહેતાં અને શહેરની મધ્યમાં કુંભારપરા વિસ્તારમાં હોસ્પીટલ ધરાવતાં ડો.શૈલેષ ચાંપાનેરીયા ઉ.વ.૪૨ તથા તેમનાં પરિવારના કૌશલ ચાંપાનેરીયા ઉ.વ.૧૩, ફાલ્ગુનીબેન ચાંપાનેરીયા ઉ.વ.૩૫ અને દુર્ગાબેન ચાંપાનેરીયા ઉ.વ.૬૫ સહિત પરિવારના ચાર સભ્યોને કોરોના પોઝીટીવ આવતાં સારવાર અર્થે રાજકોટ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે આ અંગે જિલ્લા કલેકટર કે.રાજેશે પણ સોશ્યલ મીડીયામાં લોકોને અપીલ કરી છેલ્લા સાત દિવસમાં કોરોના પોઝીટીવ ડોક્ટરના સંપર્કમાં આવેલ દર્દીઓ સહિતનાઓને જાતે જ ક્વોરન્ટાઈન થઈ આગામી ૧૪ દિવસ માટે ઘરમાં રહેવાની સલાહ આપી હતી તેમજ તે દરમ્યાન કોઈ શંકાસ્પદ રીપોર્ટ જણાઈ આવે તો વઢવાણ બ્લોક હેલ્થ ઓફીસનો સંર્પક કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત મોડી સાંજે શહેરના દાળમીલ રોડ પર આવેલ ગાયત્રી સોસાયટીમાં રહેતાં અને સી.યુ.શાહ મેડીકલ કોલેજના ડોક્ટર શિવરાજસિંહ ઝાલા ઉ.વ.૨૯ વાળાને પણ કોરોના પોઝીટીવ આવ્યો હતો આમ શહેરના બે ડોક્ટરને કોરોના પોઝીટીવ આવતાં લોકોમાં ચિંતાની લાગણી જોવા મળી હતી.

આ ઉપરાંત પાટડી તાલુકાના બુબવાણા ગામની મહિલા પ્રિતિબેન સીંધવ ઉ.વ.૩૭, બજાણા ગામનાં ૮૦ વર્ષના વૃધ્ધ અમીરભાઈ ચૌહાણ તથા પાટડી શહેરમાં આવેલ ઓમ રેસીડેન્સીમાં રહેતી મહિલા મીનાક્ષીબેન પટેલ ઉ.વ.૫૬વાળાને પણ કોરોના પોઝીટીવ આવ્યો હતો. જ્યારે પાટડી તાલુકામાં આ સાથે કુલ કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧૦ ઉપર પહોંચી હતી. આ ઉપરાંત લીંબડી શહેરી વિસ્તારમાં રહેતાં વૃધ્ધ મહિલા પુષ્પાબેન શ્રીમાળી ઉ.વ.૭૧વાળાને કોરોના પોઝીટીવ આવતાં સારવાર અર્થે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે જિલ્લામાં એક સાથે ૭ કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો તેમજ આરોગ્ય વિભાગની ટીમે કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલ લોકોને ક્વોરન્ટાઈન તેમજ સ્થાનિક વિસ્તારોને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથધરી હતી જ્યારે આ સાથે જિલ્લાનો કોરોના પોઝીટીવ આંક ૭૫ ઉપર પહોંચ્યો હતો.

Tags :