સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વિસ્ફોટ, નવા 16 પોઝિટિવ કેસ : 1 મહિલાનું મોત
- શહેરની મહિલાને કોરોના ભરખી ગયો : કુલ દર્દી 226
- સુરેન્દ્રનગર શહેર અને વઢવાણમાં 11 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય અને વહીવટી તંત્રમાં દોડધામ મચી
સુરેન્દ્રનગર, પાટડી, લીંબડી, તા.5 જુલાઈ 2020, રવિવાર
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર સહિત જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસ સતત વધી રહ્યાં છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે ૧૬ જેટલાં કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં તેમજ એક વ્યક્તિનું કોરોનાથી મોત પણ નીપજ્યું હતું.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસ સતત વધી રહ્યાં છે અને જિલ્લામાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે.
ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ ૧૬ જેટલાં વ્યક્તિઓને કોરોના પોઝીટીવ આવ્યાં હતાં જેમાં સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં રહેતાં ૧૧ જેટલાં વ્યક્તિઓને કોરોના પોઝીટીવ આવ્યો હતો.
જેમાં વઢવાણ ખાતે ૧૮ વર્ષના યુવક, ૪૫ વર્ષની મહિલા, વઢવાણ દાજીદાજ હાઈસ્કૂલ પાસે રહેતાં એક વ્યક્તિ, ૮૦ ફુટ રોડ પર ૩૦ વર્ષના યુવક, ૮૦ ફુટ રોડ પર ૩૧ વર્ષના યુવક, તક્ષશીલા પાર્કમાં ૨૮ વર્ષના યુવક, દાળમીલ રોડ પર ૬૦ વર્ષના વૃધ્ધ મહિલા, દુધરેજ ફાટક બહાર સાઈબાબાના મંદિર પાસે ૪૦ વર્ષના પુરૃષ, વિશ્વકર્મા ટાઉનશીપમાં ૨૫ વર્ષના યુવક, વર્ધમાન સોસાયટીમાં ૨૬ વર્ષની યુવતિ અને રતનપર વિસ્તારમાં ૬૪ વર્ષની મહિલા, ૨૮ વર્ષના યુવક અને રતનપર વિસ્તારમાં રહેતાં અને ચુડા વિજકંપનીમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતાં વી.એચ.ચુડાસમા સહિત ૧૩ જેટલાં વ્યક્તિઓને કોરોના પોઝીટીવ આવ્યાં હતાં.
જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લીંબડી ખાતે જુના જીનપરા વિસ્તારમાં રહેતાં અને ગ્રીનચોકમાં ઝેરોક્ષની દુકાન ધરાવતાં પ્રવિણભાઈ ઉર્ફે મુન્નાભાઈ મનસુખભાઈ ખાંદલા ઉ.વ.૪૬વાળા, તથા ચુડા તાલુકાના બલાળા ગામે રહેતાં ઈન્દુબેન રજનીકાંન્ત ઠાકર અને પાટડી શહેરના ખાન સરોવર વિસ્તારમાં રહેતાં લાલાભાઈ મોરારભાઈ પાટડીયા (દેવીપુજક)વાળા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ૩ વ્યક્તિને કોરોના પોઝીટીવ આવ્યાં હતાં. આમ ગ્રામ્ય વિસ્તાર મળી કુલ ૧૬ જેટલાં કોરોના પોઝીટીવ કેસ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા હતાં જ્યારે આ સિવાય વિઠ્ઠલપ્રેસ રોડ પર મકનજી ફોજદારની શેરીમાં રહેતાં ગીતાબેન સુખડીયા ઉ.વ.૬૦નું કોરોનાથી રાજકોટ હોસ્પીટલ ખાતે સારવાર દરમ્યાન મોત પણ નીપજ્યું હતું જ્યારે જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક ૨૨૬ પર પહોંચ્યો હતો અને તમામ દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગરની સરકારી હોસપીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.
પાટડી તાલુકામાં કોરોનાનો ભરડો વધુ 1 પોઝિટિવ કેસ નોંધાયો
તાલુકામાં અત્યાર સુધીમાં કોરોનાના 23 કેસ થયા
પાટડી, તા.5 જુલાઈ 2020, રવિવાર
પાટડી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દિન-પ્રતિદિન કોરોના વાયરસના કેસો વધી રહ્યાં છે ત્યારે લોકો બેફીકરાઈથી બજારોમાં ફરતા જોવા મળે છે. લોકો હજુ પણ કોરોનાની ગંભીરતાને સમજનતા નથી અને તંત્ર પણ હાંફી ગયું હોય તેમ લાગે છે કારણ કે પાટડીમાં કયાંય ડીસ્ટન્સીંગ જોમ મળતું જ નથી જ્યાં જોવો ત્યાં માણસોની ભીડ જોવા મળે છે.
આજે પાટડીમાં ફળ-ફ્રુટના વેપાર કરતાં અને ખાન સરોવર વીસ્તારમાં રહેતાં લાલભાઈ મોરારભાઈ પાટડીયા (દેવીપુજક) ઉ.વ.૩૪ અમદાવાદ ગયાં હતાં જેઓનો રીપોર્ટ પોઝીટીવ આવતા હાલ તેઓ અમદાવાદ ખાતે પ્રાઈવેટ હોસ્પીટલમાં સારવાર લઈ રહ્યાં છે. પાટડીમાં ફળ-ફ્રુટ વેચતા હોલસેલના વહેપારીને કોરોના પોઝીટીવ આવતા ગામના જાગૃત નાગરીકો ડરે છે કે આ ભાઈ પાસેથી કેટલા લારીઓવાળા ફળ-ફ્રુટ લાવ્યા હશે અને લારીઓવાળા પાસેથી કેટલાય લોકો લઈ ગયા હશે અને કેટલાય લોકો સંક્રમીત થયા હશે.
આવા અનેક સવાલો જાગૃત નાગરીકોમાં ઉઠવા પામ્યા છે માટે તંત્ર દ્વારા પાટડીમાં ફળ-ફ્રુટ વેચતા ફેરીયાઓના પણ સેમ્પલો લેવા જોઈએ અને પાટડીમાં વધુ કેસો ન નોંધાય તે માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.