બગોદરા હાઇ-વે પર ખાણ-ખનીજની ચેકપોસ્ટ પર ગેરરીતિની ફરિયાદો
- ખનીજ ભરેલાં ડમ્પરો બારોબાર હપ્તા લઇને જવા દેવાતા હોવાની લોકોમાં જાતજાતની ચર્ચાઓ
બગોદરા, તા. 1 ઓગસ્ટ 2020, શનિવાર
અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઈવે પરથી મોટાપાયે ખનીજ સંપતિ ભરેલ ડમ્પર અને ટ્રક સહિતના વાહનો ગેરકાયદેસર રીતે ઓવરલોડ પસાર થાય છે ત્યારે બગોદરા ખાણ ખનીજ વિભાગનાં અધિકારીઓ દ્વારા વાહનોના ચેકીંગ દરમ્યાન ગેરરીતી અને ભ્રષ્ટાચાર થતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાંથી રેતી, કપચી, પથ્થર, કાર્બોસેલ જેવી ખનીજ સંપત્તિનું મોટાપાયે ડમ્પરો મારફતે બગોદરા હાઈવે પરથી વહન કરવામાં આવી રહ્યું છે. જેમાં ખનીજ ભરેલા ડમ્પરોમાં સરકારના નિયમ વિરૂધ્ધ ગેરકાયદેસર રીતે ઓવરલોડ ખનીજ સંપત્તિ તેમજ રોયલ્ટી વગરના ડમ્પરો પસાર થઈ રહ્યાં છે. જ્યારે ખનીજ ભરેલા વાહનોના ચેકીંગ માટે બગોદરા હાઈવે પર ખાણ ખનીજ વિભાગ દ્વારા ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. ત્યારે સીક્યોરીટી દ્વારા વાહનો ઉભા રાખવામાં આવે છે પરંતુ એસીવાળી ઓફીસમાં બેસેલા રોયલ્ટી ઈન્સ્પેકટર, સુપરવાઈઝર, કલાર્ક વગેરે અધિકારીઓ ફક્ત ચેકીંગની સંખ્યા બતાવવા ખાતર રજીસ્ટરમાં એન્ટ્રી કરી દેવામાં આવે છે પરંતુ અનેક ખનીજ ભરેલા ઓવરલોડ કે રોયલ્ટી વગરના વાહનો વિરૂધ્ધ દંડ વસુલવાને બદલે બારોબાર જવા દેવામાં આવે છે. જ્યારે ખાણ ખનીજ વિભાગના ઉચ્ચઅધિકારીઓ દ્વારા કેમ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી તે પણ એક મોટો સવાલ છે.
જ્યારે બગોદરા ચેકપોસ્ટથી લઈ અમદાવાદ ખાણ ખનીજ વિભાગનાં ઉચ્ચઅધિકારીઓની મીલીભગત હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.