સુરેન્દ્રનગરની આરપીપી ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષક સામે વઢવાણ પોલીસમાં ફરિયાદ
- શિક્ષકે સોશિયલ મિડીયામાં ધાર્મિક લાગણી દુભાય તેવા મેસેજ વાઈરલ કરતા ગુનો
સુરેન્દ્રનગર, તા.5 જૂન 2020, શુક્રવાર
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે ત્યારે શહેરની મધ્યમાં આવેલ આર.પી.પી.ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં શખ્સ દ્વારા પોતાના સોશ્યલ મીડીયાના ફેસબુક તેમજ વોટ્સઅપ પર ધાર્મીક લાગણી દુભાય તેવી પોસ્ટ અને કોમેન્ટો મુકતા હોવાનું ધ્યાને આવતાં વઢવાણ પોલીસ મથકે ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતાં મનુભાઈ છનાભાઈ મકવાણા અનુ.જાતિ દ્વારા વઢવાણ પોલીસ મથકે શિક્ષક વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે વઢવાણ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ શહેરના ૮૦ ફુટ રોડ પર રહેતા અને શહેરની મધ્યમાં આવેલ આર.પી.પી.ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં હસમુખભાઈ પરમાર નામના વ્યક્તિ દ્વારા પોતાના ફેસબુક તેમજ વોટ્સઅપ પર ધાર્મીક લાગણીઓ દુભાય તેવી પોસ્ટ અને કોમેન્ટો અવાર-નવાર મુકતાં હોવાનું સામે આવ્યું હતું તેમજ આ અંગેના સ્ક્રીનશોટ અને ફોટાઓ પણ સોશ્યલ મીડીયામાં વાયરસ થયાં હતાં. જેમાં ગર્ભવતી મહિલા અંગે રામ મંદિર, મહિલાઓને નગ્ન અવસ્થામાં નહાતા જોવા વાળા કૃષ્ણ અને તેમના ભક્તો તેમજ નારી સન્માન અપાવનાર ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા તોડવા સહિતની પોસ્ટ લખાણ કરી સોશ્યલ મીડીયામાં વાયરલ કરવામાં આવી હતી. આ તમામ પોસ્ટથી ધાર્મીક લાગણી દુભાણી હોવાથી વઢવાણ પોલીસ મથકે શિક્ષક સામે ફરીયાદ નોંધાવા પામી હતી તેમજ આ ઘટનાને જિલ્લાભરનાં શિક્ષકોએ કડક શબ્દોમાં વખોડી કાઢી ઉગ્ર વિરોધ કર્યો હતો. આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના હોદ્દેદારોએ પણ રોષ વ્યક્ત કર્યો હતો તેમજ જવાબદાર શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરી કડક સજા કરવાની માંગ કરી હતી.