Get The App

સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજાની પુનઃ પધરામણીથી વાતાવરણમાં ઠંડક

- થોડા દિવસ વિરામ લીધા બાદ

Updated: Jul 31st, 2020

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજાની પુનઃ પધરામણીથી વાતાવરણમાં ઠંડક 1 - image


- શહેરી વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા : લીંબડી, સાયલા, લખતર, મૂળીમાં ઝાપટા પડયા

સુરેન્દ્રનગર, તા. 30 જુલાઈ 2020, ગુરુવાર

સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે અને થોડા દિવસના વિરામ બાદ શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર વરસાદનું આગમન થયું હતું.

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસાની સીઝનમાં શરૂઆતમાં સારો વરસાદ પડયાં બાદ વરસાદે વિરામ લીધો હતો અને લોકો સહિત ખેડુતો આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યાં હતાં. ત્યારે ફરી જિલ્લામાં મેધરાજા મહેરબાન થયાં હોય તેમ સાર્વત્રિક મેધમહેર જોવા મળી હતી અને બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતાં સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. 

જ્યારે જિલ્લાના લખતર, લીંબડી, ચુડા, મુળી, પાટડી, ધ્રાંગધ્રા અને સાયલા તાલુકાના દેવગઢ, નોલી, ખીટલા, નાવા સહિત આસપાસના ગામોમાં ધીમીધારેથી લઈ જોરદાર વરસાદી ઝાપટાં પડયાં હતાં. આમ જિલ્લામાં ફરી મેધમહેર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જ્યારે લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થતાં ખેડુતોમાં પણ આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી.

જ્યારે શહેરી વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલના અભાવે રસ્તાઓ સહિત રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ રહેતાં લોકો તેમજ વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી. જ્યારે બપોરના ૪-૦૦ થી ૬-૦૦ દરમ્યાન ચોટીલા તાલુકામાં ૬૫મીમી, દસાડા તાલુકામાં ૨૩મીમી, લખતર તાલુકામાં ૩૪મીમી, વઢવાણ તાલુકામાં ૨૭મીમી, લીંબડી તાલુકામાં ૩મીમી અને સાયલા તાલુકામાં ૧મીમી વરસાદ નોંધાયો હતો.

Tags :