Get The App

મીઠાપુર ગામના પાટિયા પાસે ટ્રક પાછળ ટેન્કર ઘૂસી જતાં ક્લીનરનું મોત

- લીંબડી-બગોદરા હાઈ-વે પર અકસ્માત

- રસ્તા પર બંધ પડેલી ટ્રકને અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો, ડ્રાઇવરને ઈજા થતા સારવાર હેઠળ

Updated: Jul 14th, 2020

GS TEAM

Google News
Google News
મીઠાપુર ગામના પાટિયા પાસે ટ્રક પાછળ ટેન્કર ઘૂસી જતાં ક્લીનરનું મોત 1 - image


બગોદરા, તા. 14 જુલાઇ 2020, મંગળવાર

અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા નેશનલ હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે લીંબડી-બગોદરા હાઈવે પર મીઠાપુર ગામના પાટીયા પાસે ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો જે અંગે બગોદરા પોલીસ મથકે અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાઈ હતી.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ લીંબડી-બગોદરા હાઈવે પર મોરબીથી ટાઈલ્સ ભરી જઈ રહેલ ટ્રક મીઠાપુર ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યો હતો તે દરમ્યાન રસ્તા પર ટ્રક બંધ થઈ જતાં ટ્રક સાઈડમાં ઉભી રાખી હતી. 

તે દરમ્યાન પાછળથી આવતાં એક ટેન્કર ટ્રકના ચાલકે પોતાના હવાલાવાળો ટ્રક પુરઝડપે ચલાવી બંધ પડેલ ટ્રકના પાછળના ભાગે જોરથી અથડાવતાં અકસ્માત સર્જાયો હતો અને ટેન્કર રોડની સાઈડમાં પલટી ખાઈ ગયું હતું. જ્યારે ટેન્કરનો ડ્રાઈવર કુદીને બહાર નીકળી ગયો હતો જ્યારે અંદર રહેલ કલીનર શાબીરખાન આલમખાન મુસલમાન ઉ.વ.૨૩ રહે.તેજાકીબેરી રાજસ્થાનવાળો સુતેલી હાલતમાં હોય ફસાઈ જતાં ત્રણ કલાકથી વધુ જહેમત બાદ જેસીબીની મદદથી મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે ડ્રાઈવરને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો જે અંગે બંધ પડેલ ટ્રકના ક્લીનર બાલાજી પંડરીકલમ મરાઠાએ બગોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

Tags :