લીંબડીના ચોરણિયા ગામે બે જૂથ વચ્ચે મારામારીઃ 7 વ્યક્તિને ઈજા

- ગાડી પાર્ક કરવા અને પાણી ભરવા બાબતનો ઝઘડો
- તિક્ષ્ણ હથિયાર લઈ આમને સામને આવી ગયા : ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા - બન્ને પક્ષના નવ શખ્સો સામે ગુનો
લીંબડી : લીંબડી તાલુકાના ચોરણિયા ગામે ગાડી પાર્ક કરવા તથા પાણીની નોજલ મુકવા બાબતે બે જુથ વચ્ચે મારામારી થતાં સાત વ્યક્તિઓને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે પોલીસે માર મારનાર બંને પક્ષના કુલ નવ શખ્સો વિરૂદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો.
ચોરણિયા ગામે રહેતાં ભરતભાઈ ચીકાભાઈ ચૌહાણે લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યું છે કે, સામે રહેતાં લાલજીભાઈ ધમશીભાઈ મંગાણી મેક્સ પીકઅપ ગાડી તેમના ઘરની પાસે પાર્ક કરતાં હોવાથી ભરતભાઈને ત્યાંથી નીકળવામાં મુશ્કેલી પડતી હતી. જેથી લાલજીભાઈને ગાડી મુકવાની ના પાડતાં તેઓ એકદમ ઉશ્કેરાઈને તેમનાં પરિવારજનો સાથે ભલાભાઈ મંગાણી, ધમશીભાઈ મંગાણી તેમજ તેમના પત્ની કૈલાશબેન ધરમશીભાઈ તથા હેતલબેન ધરમશીભાઈ મંગાણી સહિતના હાથમાં ધારીયુ, છોરીયુ તથા લાકડાંનો ઘોકો સહિત તીક્ષ્ણ હથિયાર લઈ આવીને અપશબ્દો બોલી ભરતભાઈની દુકાન પર હુમલો કરીને તોડફોડ કરવા લાગ્યા હતા. તોડફોડ કરવાની ના પાડતાં લાલજીભાઈ તથા તેમનાં પત્ની ગીતાબેન સહિત તેમના મોટાભાઈ લક્ષ્મણભાઈ અને તેમના પુત્ર ચારેયને ઢોર મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી છુટયા હતાં.
બીજી તરફ ચોરણિયા ગામે રહેતાં કૈલાસબેન ધરમશીભાઈ મંગાણીએ લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે, તેમની પુત્રી હેતલબેન તેમના ઘરની બાજુમાં રહેતા રમેશભાઈ દલવાડીને ત્યાંથી પાણી ભરવા માટે પાણીની નોજલ લાંબી કરીને તેમનાં ઘરમાં લગાવી ત્યારે તેમની બાજુમાં રહેતાં ગીતાબેન તથા તેમનાં પતિ ભરતભાઈ ચૌહાણ બન્ને કહેવા લાગ્યા કે, 'આ રસ્તો અમારી માલિકીનો છે, અહીંયા કોઈએ નોજલ રાખવી નહીં.' તે સમય દરમિયાન થોડી વારમાં ભરતભાઈ તથા તેમનાં ભાઈ જીવણભાઈ તથા તેમનાં પુત્રો જયમીન ભરતભાઈ, જતુન ભરતભાઈ ચૌહાણ સહિત ચારેય શખ્સો ધારીયુ લાકડાંના ધોકા જેવા તીક્ષ્ણ હથિયાર લઈ આવીને જાનથી મારી નાખવાની ધમકી આપીને એકદમ ઉશ્કેરાઈને હુમલો કરી કૈલાશબેન તથા તેમની પુત્રી હેતલબેન, પુત્ર અલ્પેશ મંગાણી સહિતનાને મારમારી ઈજાઓ પહોંચાડી હતી.
તમામ ઈજા ગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવ અંગે પોલીસે બન્ને પક્ષના કુલ નવ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

