સેનેટરી ઈન્સ્પેકટરની ભરતી બાબતે જિલ્લા પંચાયત કચેરી પર હોબાળો
- અરજી કર્યા બાદ કોઈ જાતની જાણ કર્યા વિના 200 ઉમેદવારની સીધી ભરતી કર્યાનો અરજદારોનો આક્ષેપ
સુરેન્દ્રનગર, તા.20 જુલાઈ 2020, સોમવાર
સરકાર દ્વારા શિક્ષિત યુવાનો માટે અનેક ભરતીઓ બહાર પાડવામાં આવતી હોય છે જેમાં રાજ્યભરમાંથી શિક્ષિત યુવાનો પોતાની લાયકાત મુજબ ફોર્મ ભરતાં હોય છે ત્યારે અમુક ભરતી પરીક્ષામાં ગેરરીતી સહિત લોભામણી જાહેરાતો આપ્યાં બાદ ભરતી પ્રક્રિયા ન થતી હોવાનું પણ બહાર આવ્યું છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સેનેટરી ઈન્સ્પેક્ટરની ખાલી જગ્યાઓ અંગે ભરતી બહાર પાડવામાં આવી હતી. પરંતુ અનેક અરજીઓ કર્યા બાદ ડાયરેક્ટ અમુક ઉમેદવારોને ભરતી કરી લીધા હોવાના આક્ષેપ સાથે ભોગ બનનાર યુવાનોએ જિલ્લા પંચાયત કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જિલ્લામાં સેનેટરી ઈન્સ્પેક્ટરની જગ્યાઓ ખાલી હોવાથી ભરતી બહાર પાડવામાં આવી હતી જેમાં જિલ્લાભરના અનેક ઉમેદવારોએ લાયકાત મુજબ અરજીઓ કરી હતી. આ ભરતીનો છેલ્લો દિવસ હોવા છતાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નહોતી અને અંદાજે ૨૦૦થી વધુ ઉમેદવારોને ડાયરેક્ટ ભરતી કરી દીધી હોવાનો આક્ષેપ સાથે અરજી કરનાર અંદાજે ૩૦૦ જેટલાં ઉમેદવારો જિલ્લા પંચાયત કચેરી ખાતે આવી પહોંચ્યા હતાં અને હલ્લાબોલ કર્યો હતો. તેમજ કોઈપણ જાતની જાણ કર્યા વગર ભરતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો અને જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી હતી. જો કે જિલ્લા વિકાસ અધિકારીએ આ પ્રકારની કોઈ જ ભરતી જિલ્લા પંચાયત હસ્તક ન થઈ હોવાનું જણાવ્યું હતું.
અને ખાલી જગ્યાઓ માટે પણ તેઓએ કોઈ જ જાહેરાત બહાર ન પાડી હોવાનું બહાર આવ્યું હતું આમ સોશ્યલ મીડીયા દ્વારા કરેલ જાહેરાતના પગલે અનેક યુવાનો નોકરીના બહાને છેતરપીંડીનો ભોગ બન્યાં હતાં.