ચોટીલા - રાજકોટ નેશનલ હાઈવે પરથી ગેરકાયદે રેતી ભરેલું ડમ્પર ઝડપાયું
- મામલતદાર સહિતની ટીમે ડમ્પરને ડિટેઇન કરી ૨૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
ચોટીલા, તા. 1 જુલાઈ 2020, બુધવાર
ચોટીલા પંથકમાં મોટા પ્રમાણમાં રેતી ખનીજ ખનન થતુ હોવાનું અને તેનુ ગેરકાયદે પરિવહન પણ થતુ હોવાની બૂમરાણ વચ્ચે ચોટીલા રાજકોટ હાઇવે ઉપરથી મામલતદારે એક ડમ્પર ઝડપી પાડી ૨૫ લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરેલ છે.
ચોટીલા મામલતદાર પી એલ ગોઠી વિસ્તારમાં પ્રવાસમાં હતા તે દરમિયાન રાજકોટ હાઇવે ઉપર પસાર થતા ડમ્પર નં જીજે ૦૩ એએક્સ ૯૦૫૪ને રોકી ચેક કરતા તેમાં સાદી રેતી ભરેલ મળી આવેલ હતી.
ચાલક પાસે પાસ પરમીટ માંગવામાં આવતા તેની પાસે આવું કંઇ ન હોવાનું જણાવતા સદરહુ રેતી હેરફેર ગેરકાયદે જણાતા વાહન અને રેતીનો જથ્થો મળી રૃ. ૨૫, ૧૨,૫૦૦નો મુદ્દામાલ સીઝ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચોટીલા પંથકમાં મોટા પ્રમાણમાં રેતીખનન થાય છે ધંધાદારીઓની ગોઠવાયેલ ચોક્કસ ચેનલને કારણે કરોડોનો સરકારની તિજોરીને ચુનો લગાડવામાં આવે છે.
તેમજ આ ગેરકાયદેસર ધંધામાં હપ્તા પદ્ધતિ કાર્યરત હોવાનું કહેવાય છે.